અયોધ્યામાં રામાયણ પર આધારિત ડાંસ ડ્રામા કરશે હેમા માલિની
નવી મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર
બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની 22 જાન્યુઆરી, 2024ના રોજ 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપશે. આ પહેલા તે અયોધ્યામાં હિંદુ મહાકાવ્ય 'રામાયણ' પર આધારિત એક ડાન્સ ડ્રામાનો ભાગ બનશે. આ ડ્રામામાં તે સીતાનું પાત્ર ભજવવા જઈ રહી છે.
હેમા માલિનીએ રામ મંદિરમાં પોતાના અભિનય વિશે વાત કરતા કહ્યું કે, ' આ કાર્યક્રમનું આયોજન સ્વામી રામભદ્રાચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. તેઓએ 10 દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું પહેલીવાર અયોધ્યા આવી છું. હું રામાયણમાં સીતા તરીકે કામ કરવા જઈ રહી છું. હું મારી જાતને નસીબદાર માનું છું કે આ સમય દરમિયાન અહીં આવી છું.
હેમા માલિનીએ આગળ કહ્યું- 'આખું બોલિવૂડ રામમય છે. કલાકારો રામ ગીતો ગાઈ રહ્યા છે. મેં ગયા વર્ષે રામ ભજન પણ ગાયું હતું. દરેક રામ પર કઇને કંઇ તૈયાર કરી રહ્યા છે.
હેમા માલિની સિવાય રામાનંદ સાગરની રામાયણમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર કલાકારો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચી ગયા છે. રામાનંદ સાગરની રામાયણમાં અરુણ ગોવિલે રામનો રોલ કર્યો હતો અને દીપિકા ચિખલિયાએ સીતાનો રોલ કર્યો હતો. જ્યારે સુનીલ લહારી લક્ષ્મણ બન્યા હતા.
આ સ્ટાર્સને આમંત્રણ મળ્યું
અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ માટે અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, અક્ષય કુમાર અને અજય દેવગનને પણ આમંત્રણ કાર્ડ મળ્યા છે. આ સિવાય રજનીકાંત, મોહનલાલ અને યશ સહિત દક્ષિણ ભારતના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.