આ પશુ પ્રેમ છે કે પછી મજાક?: લૉરેન્સ બિશ્નોઈ પર ભડક્યો બોલિવૂડનો જાણીતો ડાયરેક્ટર
Ram Gopal Varma On Lawrence Bishnoi: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે 12 ઓક્ટોબરે લૉરેન્સ ગેંગ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ બાબતે હવે ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે.
રામ ગોપાલ વર્માએ આપી પ્રતિક્રિયા
ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો માટે જાણીતા છે. આ સાથે તે ઘણા મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા પણ જોવા મળે છે. હાલમાં જ તેમણે X હેન્ડલ પર લૉરેન્સ બિશ્નોઈ બાબતે એક નોટ શેર કરી છે.
જેમાં લખ્યું છે કે, ‘એક વકીલ જે હવે ગેંગસ્ટર બની ગયો છે. તે એક સુપરસ્ટારને મારીને હરણના મોતનો બદલો લેવા માંગે છે. તે ફેસબુક દ્વારા ભરતી કરેલી તેની 700 લોકોની ગેંગને આદેશ આપે છે. તેમજ તે ચેતવણી તરીકે એક મોટા રાજકારણીને મારી નાખવાનો આદેશ આપે છે, જે સુપરસ્ટારના નજીકના મિત્ર છે. પરંતુ પોલીસ તેને પકડી શકતી નથી કારણ કે તે જેલમાં સરકારની સુરક્ષામાં છે. જો કોઈ બોલિવૂડ લેખક આવી વાર્તા લઈને આવશે તો લોકો તેને આ અવિશ્વસનીય અને બકવાસ વાર્તા માટે મારશે.'
આ પશુ પ્રેમ છે કે પછી મજાક?
રામ ગોપાલ વર્માએ પોતાની બીજી ટ્વીટમાં લખ્યું હતું કે, '1998માં જ્યારે હરણને મારવામાં આવ્યું હતું ત્યારે લૉરેન્સ બિશ્નોઈ માત્ર 5 વર્ષનો બાળક હતો. પરંતુ તે 25 વર્ષ સુધી નારાજ રહ્યો અને હવે 30 વર્ષની ઉંમરે તે કહે છે કે તેના જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે, તે હરણની હત્યાનો બદલો લેવાનો છે. શું આ પ્રાણીપ્રેમની ચરમસીમા છે કે ભગવાન કોઈ વિચિત્ર મજાક કરી રહ્યા છે?'
બિશ્નોઇ સલમાનનો દુશ્મન કઇ રીતે બન્યો?
26 વર્ષ પહેલા સપ્ટેમ્બર, 1998માં સલમાન ખાન ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ કરવા રાજસ્થાનના જોધપુર ગયો હતો. જ્યાં 27 સપ્ટેમ્બરની રાત્રે શૂટિંગ બાદ સલમાન ખાન અને સેફ અલી ખાને જોધપુરથી 40 કિમી દુર ભવાદ ગામમાં કાળા હરણનું શિકાર કર્યું હતું. જે પછી બિશ્નોઇ સમુદાયે સલમાન ખાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ વર્ષ 2018માં પહેલી વાર લૉરેન્સ બિશ્નોઇ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે તેણે સલમાન ખાનને ધમકી આપી હતી કે, કાળા હરણનું શિકાર કરવા બદલ તે સલમાન ખાનથી બદલો લઇને રહેશે અને તેની હત્યા કરશે. ત્યારથી લૉરેન્સને સલમાન ખાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે.