રાજકુમાર રાવ પ્રથમ વખત ગેન્ગસ્ટરના રોલમાં જોવા મળશે
- અભિનેતાએ પોતાના જન્મદિવસે આ ફિલમના ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરીને જણાવ્યું
મુંબઇ : રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટુ હાલ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. તેવામાં અભિનેતાએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા પોતાના જન્મદિવસે કરી છે.
રસપ્રદ વાત તો એ છે કે, અભિનેતા આ ફિલ્મમાં ગેન્ગસ્ટરના રોલમાં પ્રથમ વખત જોવા મળવાનો છે.
અભિનેતા નેગેટિવ રોલ ભજવવા આતુર અને ઉત્સાહિત છે. અભિનેતાએ પોતાની આ ફિલ્મના પોસ્ટરને શેર કરવાની સાથેસાથે કેપ્શન લખ્યું છે કે, માલિક કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ, શૂટ શુરુ હો ચુકા હૈ, જલ્દ હી મુલાકાત હોગી.
રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, મારા આગામી ફિલ્મનું શીર્ષક માલિક છે અને સાથે તેણે તેનું પ્રથમ લુક પોસ્ટર પણ શેર કર્યું છે. પોસ્ટરમાં રાજકુમાર રાવ એકશન અવતારમાં જોવા મળી રહ્યો છે. તે તેની કારકિર્દી દરમિયાન પ્રથમ વખત કોઇ એકશન-થ્રિલર ફિલ્મમાં કામ કરતો જોવા મળશે.
પોસ્ટરમાં રાજકુમાર રાવનું લુક ખુંખાર જોવા મળી રહ્યું છે તે હાથમાં બંદુક સાથે જીપ પર ઊભેલો જોવા મળી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે જે ભારતના વિભિન્ન શહેરોમાં થઇ રહ્યું છે.