'હું એટલો અમીર નથી જેટલું લોકો વિચારે છે...' જાણીતા સફળ અભિનેતાનું ચોંકાવનારું નિવેદન
Rajkummar Rao: તાજેતરમાં રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-ટુએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. રાજકુમાર રાવ બોલિવૂડના અત્યંત પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. આ દિવસો તેઓ પોતાની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તાજેતરમાં અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમની પાસે એટલા પૈસા નથી જેટલા લોકો વિચારી રહ્યા છે.
હું સંતુષ્ટ છું, પરંતુ હજુ પણ મને પૈસા કમાવવાની ચાહત છે: રાજકુમાર
રિપોર્ટ અનુસાર, રાજકુમાર રાવને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તમે તમારા જીવનથી સંતુષ્ટ છો? આ માટે અભિનેતાએ સ્વીકાર્યું કે, 'હું સંતુષ્ટ છું, પરંતુ હજુ પણ મને પૈસા કમાવવાની ચાહત છે.'
રાજકુમારના ઘરની EMI ચાલી રહી છે
જ્યારે રાજકુમાર રાવને બેંક બેલેન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ તમામ ધારણાઓને નકારતા કહ્યું હતું કે, 'મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈપણ શોરૂમમાં જઈને છ કરોડની કાર ખરીદી શકું. સાચું કહું તો હું એટલો અમીર નથી જેટલું લોકો વિચારે છે, લોકોને લાગે છે 100 કરોડ છે પણ નહિ ભાઈ ઈએમઆઈ ચાલે છે.'
રાજકુમારે વધુમાં કહ્યું હતું કે, 'ઘર લીધું છે. તેની મોટી ઈએમઆઈ ચાલી રહી છે અને એવું પણ નથી કે મારી પાસે કશું છે નહિ... પરંતુ એવું પણ નથી કે આજે મન થયું ને કારના શોરૂમમાં જઈને પૂછું કે કેટલાની છે? અને તે કહે સર, 6 કરોડની... અને હું કહું કે આપી દો.'
અભિનેતા એક કાર માટે 50 લાખનો ખર્ચ નથી કરી શકતા
જ્યારે રાજકુમાર રાવને પૂછવામાં આવ્યું કે જો તેમની પાસે 6 કરોડ રૂપિયા નથી તો શું તમે 50 લાખ રૂપિયાની કાર ખરીદી શકો છો? તો રાજકુમારે કહ્યું, '50 લાખ રૂપિયા... આપી દો..પરંતુ તેના પર ચર્ચા થશે કે લઈ તો શકીએ છીએ, તો લઈ લઈએ? 50 લાખની કાર લેવા માટે વિચારવું પડે પણ જો 20 લાખની કાર લેવાની હોય તો વિચાર્યા વગર લઈ શકું છું.'
અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે જો રાતોરાત મને વધુ પૈસા મળી જાય તો એ પણ યોગ્ય નથી કારણ કે તેનાથી મારી માનસિકતા ખરાબ થઈ શકે છે.