‘ચૂંટણી હોવાથી મને બોલતા ડર લાગે છે, શ્વાસ છોડતા પણ ડરું છું’, રજનીકાંતે કમલ હસનને યાદ કરીને પણ કરી મજાક
સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈમાં એક હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી
Lok Sabha Elections 2024: સાઉથના ફિલ્મ અભિનેતાઓનો રાજકારણ સાથે લાંબો સંબંધ છે. એનટી રામારાવ (NTR)થી લઈને એમજીઆર, જયલલિતા, વિજયકાંત, ચિરંજીવી, પવન કલ્યાણ અને કમલ હાસન જેવા દિગ્ગજ અભિનેતાઓના નામ સામેલ છે. સુપરસ્ટાર રજનીકાંત પણ 1995થી રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપતા રહ્યા. તેમણે 'રજની મક્કલ મંદ્રમ' નામની પાર્ટી પણ બનાવી, પરંતુ એક પણ ચૂંટણી લડ્યા વિના 2021માં બંધ થઈ ગઈ હતી. જ્યારે એક તરફ દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, તો બીજી તરફ ચેન્નાઈમાં સુપરસ્ટાર રજનીકાંતે મજાકમાં કંઈક એવું કહ્યું છે, જેને ચાહકો ચૂંટણીના માહોલમાં અભિનેતા માટે મોટી સલાહ માની રહ્યા છે.
કમલ હાસન અંગે રજનીકાંતે શું કહ્યું?
રજનીકાંત બુધવારે ચેન્નાઈમાં એક હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ગયા હતા. આ દરમિયાન રજનીકાંતે જણાવ્યું હતું કે, 'પહેલા જ્યારે પૂછવામાં આવ્યું કે કાવેરી હોસ્પિટલ ક્યાં છે, તો લોકો કહેતા હતા કે તે કમલ હાસનના ઘરની નજીક છે. હવે જ્યારે પૂછવામાં આવ્યું કે કમલનું ઘર ક્યાં છે તો લોકો કહે છે કે તે કાવેરી હોસ્પિટલ પાસે છે. મીડિયાના લોકો પણ અહીં છે. હું કહેવા માંગુ છું કે આ સામાન્ય વસ્તુઓ છે. હવે આગળ ન લખું કે રજનીકાંતે કમલ હાસન સાથે પંગા લીધો છે.'
રજનીકાંતે રમુજી અંદાજમાં જણાવ્યું હતું કે, 'ખરેખર હું અહીં બોલવા માંગતો ન હતો, પરંતુ મને થોડા શબ્દો કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે મેં તેમને પૂછ્યું કે શું મીડિયા હાઉસના લોકો પણ કાર્યક્રમમાં આવશે, હવે આ બધા કેમેરા સામે જોઈને મને ડર લાગે છે. દેશમાં ચૂંટણીનો હોવાથી મને બોલતા ડર લાગે છે, શ્વાસ છોડતા પણ ડરું છું.'
રજનીકાંત અમિતાભ બચ્ચન સાથે 'વેટ્ટેયન'માં જોવા મળશે
રજનીકાંતનું આ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ચાહકોનું કહેવું છે કે થલાઈવાએ મજાકમાં સ્ટાર્સને ચૂંટણીના માહોલમાં ચૂપ રહેવાની સલાહ આપી છે. જો રજનીકાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે 'લાલ સલામ'માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. હવે તે ટીજે જ્ઞાનવેલના નિર્દેશનમાં બની રહેલી 'વેટ્ટેયન'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ અને રાણા દગ્ગુબાતી પણ છે.