મિસ ઇન્ડિયા અર્થ બની સીકરની પ્રિયન, રાજસ્થાનને પહેલી વાર મળ્યો આ ખિતાબ
પ્રિયન 2022ની બ્યુટી પૈજંટ મિસ રાજસ્થાનની ફર્સ્ટ રનર અપ
વિયેતનામમાં યોજાનારી મિસ અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
![મિસ ઇન્ડિયા અર્થ બની સીકરની પ્રિયન, રાજસ્થાનને પહેલી વાર મળ્યો આ ખિતાબ 1 - image](https://static.gujaratsamachar.com/content_image/content_image_4e93844f-ad7e-4fb3-b435-934e788b221c.jpeg)
સીકર, રાજસ્થાનમાં રહેનાર પ્રિયન સેને મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ રાજસ્થાની છે. આ ઇવેન્ટનું આયોજન ડિવાઈન બ્યુટીના દીપક અગ્રવાલ દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિયને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. ડિવાઈન બ્યુટી, એ મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા અને મિસ અર્થ ઈન્ડિયાના ખિતાબ આપે છે. જેના દ્વારા ભારતીય યુવતીઓ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
હવે વિયાતનામમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
પ્રિયન સેન 16 ફીનાલીસ્ટમાં મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ જીતી હતી. પ્રિયનને જયારે મિસ અર્થ ઇન્ડિયા 2023નો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તે ખુબ ભાવુક થઇ હતી. હવે આ ઉપલબ્ધી બાદ પ્રિયન ડિસેમ્બરમાં વિયેતનામમાં આયોજીત ઈન્ટરનેશનલ બ્યુટી પૈજંટ મિસ અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પ્રિયન રહી ચુકી છે મિસ રાજસ્થાન
મિસ રાજસ્થાનના આયોજક અને પ્રિયનના મેન્ટર યોગેશ મિશ્રા અને નિમિષા મિશ્રા એ જણાવ્યું કે, પ્રિયન મિસ રાજસ્થાન 2022ની ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. આ સાથે તેની મિસ ઇન્ડિયા ફાઈનલની તૈયારી અને મેડીકલનો અભ્યાસ પણ કરે છે.
અભ્યાસ સાથે પેશન પણ કર્યું ફોલો
પ્રિયનના મમ્મી રાજસ્થાનની એક સરકારી સ્કુલમાં ટીચર છે. તેમજ તેમણે એકલા હાથે પ્રિયનનો ઉછેર કર્યો છે. પ્રિયને તેના અભ્યાસની સાથે તેના પેશનને ફોલો કર્યું અને આજે તેણીએ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રિયન કહે છે કે, તે પહેલા એક ટોમબોય પર્સનાલીટી ધરાવતી હતી અને તે પછી તેણે આવી સિદ્ધિ મેળવવાની સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણીએ પીછે હટ કરી નહી.