રાજ કપૂરનો અમર જાદુઃ સો વર્ષ પછી પણ શૉ ગોઝ ઓન, જુઓ થિયેટરમાં તેમની ક્લાસિક ફિલ્મો
Raj Kapoor's 100 Birth Anniversary: આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમાએ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું છે. તેનું શીર્ષક છે 'રાજ કપૂર 100 - સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન'. ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. સમગ્ર PVR-INOX અને સિનેપોલિસ સિનેમાઘરોમાં સ્ક્રિનિંગ થશે, જેથી પ્રેક્ષકો દેશભરના અત્યાધુનિક થિયેટરોમાં જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.
ખાસ વાત એ છે કે દરેક સિનેમા ઘરમાં ટિકિટની કિંમત માત્ર ₹100 રાખવામાં આવી છે, જેથી દરેક લોકો આ જાદુઈ સફરનો ભાગ બની શકે.
રાજ કપૂર (1924–1988)ને ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક ગણાય છે, જેમણે વિશ્વ સિનેમા પર અમીટ છાપ છોડી છે. "ધ ગ્રેટેસ્ટ શોમેન" તરીકે જાણીતા રાજ કપૂરે ફિલ્મ નિર્માણ, અભિનય અને દિગ્દર્શનમાં એવું અદ્ભુત કામ કર્યું કે તે આજે પણ પ્રેરણા આપે છે. પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરના પગલે ચાલીને રાજ કપૂરે પોતાની અલગ ઓળખ બનાવી. તેમણે ઈન્કિલાબ (1935)માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી 1948 માં તેમણે આર.કે. ફિલ્મ્સ સ્ટુડિયોની સ્થાપના કરી અને ઘણી ઐતિહાસિક ફિલ્મો બનાવી.
તેમની ફિલ્મોમાં આઝાદી પછીના ભારતના સામાન્ય માણસના સપનાં, ગામ અને શહેર વચ્ચેનો સંઘર્ષ અને ભાવનાત્મક વાર્તાઓ જીવંત થઈ. આવારા (1951), શ્રી 420 (1955), સંગમ (1964) અને મેરા નામ જોકર (1970) જેવી ફિલ્મો આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે. તેમનું પ્રસિદ્ધ પાત્ર, ચાર્લી ચેપ્લિનથી પ્રેરિત 'આવારા' પાત્ર સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને સોવિયેત યુનિયનમાં લોકપ્રિય થયું હતું.
રાજ કપૂરને પદ્મ ભૂષણ (1971), દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (1988) અને અનેક ફિલ્મફેર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. આવારા અને બૂટ પોલિશ જેવી તેમની ફિલ્મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી અને જાગતે રહોએ કાર્લોવી વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્રિસ્ટલ ગ્લોબ જીત્યો હતો.
અભિનેતા અને ફિલ્મ નિર્માતા રણધીર કપૂર કહે છે કે, "રાજ કપૂર માત્ર એક ફિલ્મ નિર્માતા ન હતા, તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય સિનેમાની ભાવનાત્મક પરંપરાને આકાર આપ્યો. તેમની વાર્તાઓ માત્ર ફિલ્મો નથી, પરંતુ ભાવનાત્મક સફર છે જે પેઢીઓને જોડે છે. આ ઉત્સવ તેમને અમારી શ્રદ્ધાંજલિના ભાગરૂપે ઉજવી રહ્યા છીએ."
રણબીર કપૂર આ અંગે કહે છે કે, “અમારી પેઢી એક એવા દિગ્ગજના ખભા પર ઊભી છે કે જેમની ફિલ્મો તેમના સમયની ભાવનાને દર્શાવે છે. તેમણે દાયકાઓ સુધી સામાન્ય માણસને અવાજ આપ્યો, તેમને પ્રેરિત કર્યા અને આ ઉત્સવ એ જાદુનું સન્માન કરવાની અને દરેકને તેના વારસાને મોટા પડદા પર જોવા માટે આમંત્રિત કરવાની અમારી રીત છે!”
આ ઉત્સવમાં રાજ કપૂરની સૌથી પ્રખ્યાત ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
* આગ (1948)
* બરસાત (1949)
* આવારા (1951)
* શ્રી 420 (1955)
* જાગતે રહો (1956)
* જિસ દેશ મેં ગંગા બહેતી હેૈ (1960)
* સંગમ (1964)
* મેરા નામ જોકર (1970)
* બોબી (1973)
* રામ તેરી ગંગા મૈલી (1985)
તો આવો, 13મીથી 15મી ડિસેમ્બર, 2024 સુધી રાજ કપૂરની જાદુઈ સફરને ફરી જીવંત કરો અને ભારતના આ મહાન શૉ મેનના અદ્ભુત વારસાની ઉજવણી કરો.