VIDEO| પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને દારૂ માટે નોકરને ચપ્પલ વડે માર્યો, ફજેતી થતાં માફી માગી
નોકરે રાહત ફતેહ અલી ખાનની તરફેણમાં વીડિયો બનાવ્યો તો યુઝર્સ ફરી ભડક્યા
Image: File Photo |
Rahat Fateh Ali Khan Viral Video : પાકિસ્તાનના જાણીતા ગાયક રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ રાહત ફતેહ અલી ખાન દારૂની બોટલ માટે પોતાના નોકરને ચપ્પલ વડે મારી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ગાયકનો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની ગાયક નશામાં હતો. તે પોતાના નોકરને પીઠ પર ચપ્પલથી મારી રહ્યો છે. આ દરમિાયન તે વારંવાર એક જ સવાલ કરે છે કે મારી બોટલ ક્યાં છે? ત્યારે નોકર પૂછે છે કે કઈ બોટલ? જેના કારણે ગાયક વધુ ગુસ્સે થાય છે અને નોકરના વાળ ખેંચે છે અને તેને જમીન પર પટકે છે.
નોકરને જમીન પર પછાડી બેરહેમીથી માર્યો
ગાયક રાહત ફતેહ અલી ખાન નોકરને માર માર્યા પછી પણ શાંત નહોતો થયો. આ દરમિયાન રૂમમાં હાજર લોકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાયો નહીં. બાદમાં નોકર બહાર જવા લાગ્યો ત્યારે પણ તેણે નોકરને થપ્પડ મારી. કહેવાય છે કે આ ઘટના બની ત્યારે રાહત ફતેહ અલી ખાન ચૂર નશામાં હતો.
વીડિયો વાયરલ થઈ જતા રાહત ફતેહ અલી ખાને માફી માંગી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ગાયક રાહત ફતેહ અલી ખાને દિલગીરી વ્યક્ત કરતા માફી માંગી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે એક વીડિયો શેર કરીને સમગ્ર મામલાનો સ્પષ્ટતા કરી હતી કે ‘વીડિયોમાં જે બોટલનો ઉલ્લેખ કરાયો છે તેમાં દારૂ નથી, પરંતુ પવિત્ર જળ છે.
નોકરે રાહત ફતેહ અલી ખાનની તરફેણમાં વીડિયો બનાવતા યુઝર્સ ભડક્યા
આ સમગ્ર વિવાદને અંતે રાહત ફતેહ અલી ખાનનો માર ખાનારા નોકરે પણ એક વીડિયો બનાવ્યો હતો. તેમાં તે કહી રહ્યો છે કે ‘સોશિયલ મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે ખોટું છે. મારો મારા ઉસ્તાદ સાથે 40 વર્ષ જૂનો સંબંધ છે. જે વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, તે બ્લેકમેલર છે. તે મારા ઉસ્તાદ છે અને મને મારી પણ શકે છે, ધમકાવી પણ શકે છે.’
જોકે, આ વીડિયોનો યુઝર્સ જોરદાર વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘રાહત ફતેહ અલી ખાને પહેલા નોકરને માર્યો અને પછી તેને ધમકાવીને વીડિયો બનાવડાવ્યો.’ તો બીજા એક યુઝરે લખ્યું કે ‘રાહત ફતેહ અલી ખાનને શરમ આવવી જોઈએ. હવે તે મારા ફેવરિટ નથી.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે ‘નોકર પાસે આ વાત કરાવવા તેને બ્લેકમેલ કરાયો છે અથવા પૈસા અપાયા છે.’