રાધિકા આપ્ટેએ બેબી બમ્પ ફલોન્ટ કરી પ્રેગનન્સી જાહેર કરી
- ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી
- બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્નના 12 વર્ષ બાદ પારણું બંધાશે
મુંબઈ : રાધિકા આપ્ટેએ લગ્નના ૧૨ વર્ષ પછી પ્રેગનન્સી જાહેર કરી છે. જોકે, પ્રેગનન્સી જાહેર કરવામાં તેણે અલગ ચીલો ચાતર્યો છે. તે લંડનના ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર બેબી બમ્પ સાથે દેખાઈ હતી. તે પરથી ચાહકોને તે પ્રેગનન્ટ હોવાનો ખ્યાલ આવ્યો હતો.
રાધિકા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતી. જોકે, તે પોતાની જિંદગીને પ્રાઈવેટ રાખવામાં માને છે. આથી, તેનું આ લાઈમલાઈટથી દૂર રહેવું લોકોને બહુ અસ્વાભાવિક લાગ્યું ન હતું.
રાધિકા આપ્ટેએ ૨૦૧૨માં બ્રિટિશ વાયોલિનવાદક અને સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યાં હતાં. તેના લગ્નજીવનની વિગતો પણ ખાસ ઉપલબ્ધ નથી. તે ૨૦૧૧માં એક ડાન્સ સ્કૂલમાં તાલીમ માટે લંડન ગઈ હતી ત્યારે તેનો પરિયચ બેનેડિક્ટ સાથે થયો હતો. તે પછી બંનેએ સાથે રહેવાનું શરુ કર્યું હતું. લાંબા સમય પછી બંનેએ ઔપચારિક લગ્નવિધિ યોજી હતી.
લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ 'સિસ્ટર મીડનાઈટ'નું પ્રિમિયર યોજાયું હતું. તે પ્રસંગે રાધિકા સ્ટેજ પર આવી હતી. તેને બેબી બમ્પ સાથે જોઈને ચાહકોએ તરત જ અભિનંદન આપતી કોમેન્ટસ કરી હતી.