2024માં સૌથી વધુ કમાણી પુષ્પા ટૂ નહિ, મલયાલમ પ્રેમાલુની
- રોકાણ કરતાં 45 ગણું વધુ વળતર મેળવ્યું
- નવોદિત કલાકારોની સાથેની ફક્ત 3 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મનો નફો રૂપિયા 136 કરોડ
મુંબઇ : ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની વાત આવે તો તરત જ દર્શકો 'પુષ્પા ટૂ', 'કલ્કિ ૨૮૯૮એડી' અને 'સ્ત્રી ટૂ' જેવી ફિલ્મોનાં નામ લેશે, પરંતુ લોકોના આશ્ચર્ય થાય તેવી વાસ્તવિકતા છે કે, ૨૦૨૪માં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ મલયાલમની 'પ્રેમાલુ'ના નામે છે. નવોદિત કલાકારોની સાથેની આ ફિલ્મનું બજેટ ફક્ત ત્રણ કરોડ રૂપિયા જ હતું અને આ ફિલ્મનો નફો ૧૩૬ કરોડ રૂપિયા થયો છે. પ્રેમાલુએ પોતાના બજેટ કરતાં ૪૫ ગણો વધુ વકરો કર્યો છે.
'પુષ્પા ટૂ'એ ૧૮૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી પરંતુ તેને બનાવવા માટે ૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. તેથી આ ફિલ્મના બજેટથી લગભગ પાંચ ગણી જ કમાણી કરી છે. 'કલ્કિ ૨૮૯૮ એડી'એ પોતાના બજેટ કરતાં બે ગણી કમાણી કરી છે.
જ્યારે 'સ્ત્રી ટૂ' નું બજેટ ૯૦ કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મએ ૮૭૫ કરોડ એટલે કે ૧૦ ગણી વધુ કમાણી કરી છે.
'પ્રેમાલુ'એ સાબિત કરીદીધું છે કે, બોક્સ ઓફિસ પર નફો કરવા માટે ટોચના સિતારાઓ કે ધરખમ બજેટની જરૂર હોતી નથી. પરંતુ એક મજબૂત વાર્તા અને સારી એકટિંગ પણ દિલ જીતી શકે છે અને ફિલ્મના બજેટ કરતા અનેક ગણી કમાણી કરી શકે છે.