ભારતમાં 1200 કરોડ કમાનાર પ્રથમ ફિલ્મ બની 'પુષ્પા-2', રિલીઝના 32મા દિવસે રેકોર્ડ સર્જ્યો
Pushpa 2 Box Office Collection: પુષ્પા 2 તેની રિલીઝના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સુકુમારની ફિલ્મ પુષ્પાના પહેલા ભાગે પણ કમાણીના મામલામાં જોરદાર રેકોર્ડ તોડ્યા હતા, પરંતુ પુષ્પા 2ની સામે કોઈ પણ ફિલ્મ માટે થિયેટરમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ક્રેઝ સમય સાથે વધી રહ્યો છે. જે ફિલ્મ રિલીઝના 32મા દિવસના કમાણીના આંકડા પરથી જોઈ શકાય છે.
1200 કરોડની કમાનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની
સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસીલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ભારતમાં આ ફિલ્મે તમામ ભાષાઓમાં મળીને 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ કલેક્શનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે.
રિલીઝના 32મા દિવસે રેકોર્ડ સર્જ્યો
પુષ્પા-2 શુક્રવારે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશી હતી. જ્યાં કેટલીક ફિલ્મો માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ છે. ત્યારે આ ફિલ્મ તેની રિલીઝના 32મા દિવસે પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. પુષ્પા-2નો ફિવર ઓછો થવાના સંકેતો દેખાતા નથી. ફિલ્મે શનિવારે 5.5 કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી હવે રવિવારે કમાણીમાં વધારો થયો છે.
બોક્સ ઓફિસ પર કોઈ સ્પર્ધા કરી શકતું નથી
અલ્લુ અર્જુનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ પછી ઘણી ફિલ્મો મોટા પડદા પર આવી, પરંતુ કોઈ આટલા લાંબા સમય સુધી ચાલી શકી નહિ. વરુણ ધવનની ફિલ્મ 'બેબી જ્હોન' બીજા અઠવાડિયે જ ઉતરી ગઈ, તેમજ ઉન્ની મુકુંદનની 'માર્કો અને મોહનલાલની બેરોઝ' 3D ફિલ્મ પણ પુષ્પા-2 ને પડકારવામાં નિષ્ફળ રહી છે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે નવા વર્ષમાં રિલીઝ થનારી ફિલ્મો અલ્લુ અર્જુનની ફિલ્મ પર કોઈ અસર કરશે કે કેમ.