VIDEO: અલ્લુ અર્જુનના ઘર પર હુમલો, નાસભાગ મુદ્દે સૂત્રોચ્ચાર-તોડફોડ કરનારા દેખાવકારોની ધરપકડ
Attack On Allu Arjun House : સાઉથના સુપર સ્ટાર અને ફિલ્મ ‘પુષ્પા-2’થી દેશભરમાં ધૂમ મચાવનાર અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. કેટલાક દેખાવકારોએ આજે (22 ડિસેમ્બર) અલ્લુ અર્જુનના ઘર બહાર હુમલો કર્યો છે. દેખાવકારોએ ગુસ્સામાં આવી સૂત્રોચ્ચાર કરી તેમના ઘરના બહીચામાં તોડફોડ કરી છે. એવું કહેવાય છે કે, દેખાવકારો પીડિત પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી રહ્યા છે.
મૃતક મહિલાના પરિવારને એક કરોડ રૂપિયા આપવાની માંગ
મળતા અહેવાલો મુજબ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના સભ્યોએ આજે અલ્લુ અર્જુના ઘર તરફ ધસી આવ્યા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર કરી ધમપછાળા કર્યા હતા. આ દરમિયાન તુરંત પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસે દેખાવો કરી રહેલાઓને કસ્ટડીમાં લીધા છે. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી છે અને દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. અલ્લુ અર્જુન હુમલા દરમિયાન તેમને ઘરે ન હોવાની વિગતો સામે આવી છે.
જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, ચોથી ડિસેમ્બરના રોજ હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule)ની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અહીં ફિલ્મ જોવા આવ્યો હતો. અલ્લુને જોવા ત્યાં અનેક ચાહકો આવ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. ભારે ભીડ થયા બાદ અલ્લુ ચાહકોને મળવા પહોંચ્યો અને ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષિય રેવતી નામની મહિલાનું મોત થયું અને તેના બાળકને ઈજા થઈ હતી. તાજેતરમાં એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, ઘાયલ આઠ વર્ષના બાળકની તબિયત સુધરવાને બદલે ગંભીર થઈ રહી છે.
અલ્લુ અર્જુને જેલમાં વિતાવવી પડી એક રાત
મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે. જોકે જેલ પ્રશાસનને જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.