પુષ્પા-ટુ પહેલા દિવસે ભારતમાં 70થી 80 કરોડ કમાયાનો અંદાજ
- અનેક શહેરોમાં મધરાતના શો ઉમેરાયા
- શાહરુખની જવાનનો હાઈએસ્ટ ઓપનિંગનો રેકોર્ડ તોડયો
મુંબઈ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા ધી રુલ'એ ભારતમાં પહેલા જ દિવસે ૭૦થી ૮૦ કરોડનું ઓપનિંગ મેળવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ ટ્રેડ વર્તુળો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતમાં પહેલા દિવસે ઓપનિંગનો રેકોર્ડ શાહરુખ ખાનની 'જવાન'નો હતો. તેણે પહેલા દિવસે ૬૫ કરોડની કમાણી કરી હોવાનો દાવો થયો હતો.
'પુષ્પા ટૂ'એ આ રેકોર્ડ તોડી નાખ્યો હોવાનો અંદાજ ટ્રેડ નિષ્ણાતોએ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સીસ તથા ગ્રામ્ય વિસ્તારોનાં સિંગલ સ્ક્રીનમાં એકસરખી ધૂમ મચાવી રહી છે. હિંદી તથા તેલુગુ સહિતની તમામ ભાષાઓમાં અને તમામ સર્કિટમાં નવા રેકોર્ડ બનાવી રહી છે.
ફિલ્મ સમગ્ર વિશ્વમાં ૧૨૦૦૦ સ્ક્રીન પર રીલીઝ થઈ છે. આજે દિવસભરના રિસ્પોન્સને જોયા બાદ તથા રેકોર્ડ બ્રેક એડવાન્સ બૂકિંગ પછી મુંબઈ, દિલ્હી સહિતનાં અનેક શહેરોમાં ફિલ્મના નવા મીડનાઈટ શો ઉમેરવામાં આવ્યા હતા.