'પુષ્પા 2'એ 'બાહુબલી 2'નો એક રેકોર્ડ તોડ્યો, જાણો 14 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Pushpa 2 Box Office Collecion : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ને રીલિઝ થયાને 14 દિવસ થઈ ગયા છે. થોડા દિવસોમાં જ ફિલ્મે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રીલિઝ થયેલી 'પુષ્પા 2'એ રિલીઝના 11મા દિવસે KGF 2 (859.7 કરોડ)ના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું હતું. હવે 'પુષ્પા 2' ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
'બાહુબલી 2' અને 'પુષ્પા 2'નું બોક્સ ઓફિસ કલેક્શન
'પુષ્પા 2' રીલિઝ થયાના ઘણાં દિવસો વીતી ગયા હોવાને કારણે ફિલ્મની રોજની કમાણી ભલે ઘટી ગઈ હોય, પરંતુ ફિલ્મ હજુ પણ દરરોજ 20 કરોડ રૂપિયા અને રીલિઝથી અત્યાર સુધીના 14 દિવસમાં કુલ ટોટલ 963.87 કરોડથી વધુની કમાણી કરી હતી. 'પુષ્પા 2' એ ભલે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય, પરંતુ ફિલ્મની સામે હજુ પણ ફિલ્મ 'બાહુબલી'એ બનાવેલા પહાડ જેવો મોટા રેકોર્ડ તોડવાનો બાકી છે. ફિલ્મ 'બાહુબલી 2'એ ભારતમાં 1030.42 કરોડ રૂપિયાનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. હાલમાં 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર જે ગતિથી ચાલી રહી છે તેને જોતા લાગી રહ્યુંછે કે આ રેકોર્ડ તે ટૂંક સમયમાં તોડી શકે છે.
'પુષ્પા 2' આ મામલે 'બાહુબલી 2'થી આગળ નીકળી
ભલે પુષ્પા 2 ઓવરઓલ ઇન્કમના સંદર્ભમાં 'બાહુબલી 2' કરતા પાછળ હોય, પરંતુ હિન્દીમાં કલેક્શનની દ્રષ્ટિએ આ ફિલ્મે પ્રભાસની ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'બાહુબલી 2' એ હિન્દીમાં 510.99 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પુષ્પા 2 એ અત્યાર સુધીમાં હિન્દીમાં 591.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2 એ શાહરુખ ખાનની હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'જવાન'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 'જવાન'એ 582.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે હવે 'પુષ્પા 2'થી પાછળ થઇ ગઈ છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2'
વર્ષ 2021માં રીલિઝ થયેલી ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'નો બીજો ભાગ 'પુષ્પા 2' છે. આ બંને ફિલ્મોનું નિર્દેશન સુકુમારે કર્યું છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા ચંદનના લાકડાની દાણચોરી કરનાર અને વિસ્તારનો સૌથી શક્તિશાળી માફિયા વિશે છે.