પુષ્પા-2એ બાહુબલી, RRR અને KGF-2ને પછાડી રચ્યો ઈતિહાસ, થશે છપ્પરફાડ કમાણી
Pushpa 2 Advance Booking: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે. બુક માય શો પર સૌથી ઝડપી 1 મિલિયન (10 લાખ) ટિકિટ બુક કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે બાહુબલી 2, કલ્કી, RRR અને KGF ચેપ્ટર 2 જેવી મોટી ફિલ્મોને પછાડીને ઈતિહાસ રચી દીધો છે.
એડવાન્સ બુકિંગ પૂરજોશમાં
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'નો ક્રેઝ જંગલની આગની જેમ વધતો જ જઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા અલ્લુએ પોતાને ફાયર ગણાવ્યો હતો, પરંતુ આ વખતે તે 'વાઈલ્ડ ફાયર' બનીને પાછો આવી રહ્યો છે. તેણે ખુદને જે નામ આપ્યું છે તેને તે સાચું સાબિત કરતો પણ નજર આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝને હજુ બે દિવસ બાકી છે. પરંતુ હમણાંથી જ તેનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે 'પુષ્પા 2' એ ટિકિટના વેચાણના મામલે બાહુબલી, KGF 2 અને RRR જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
હિન્દી વર્ઝન માટે 12 કરોડ રૂપિયાથી વધુની ટિકિટ વેચાઈ
આજે બપોર સુધીમાં 'પુષ્પા 2' એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગથી રૂ. 37.59 કરોડની કમાણી કરી લીધી હતી. નોંધનીય બાબત એ છે કે, આ આંકડો માત્ર પ્રથમ દિવસના બુકિંગનો જ છે. સૈકનિલ્કના અહેવાલ પ્રમાણે આ દરમિયાન 22 હજાર 215 શો માટે ફિલ્મની 12 લાખ 12 હજાર 568 ટિકિટ બુક કરવામાં આવી છે. ફિલ્મનો ક્રેઝ સૌથી વધુ તેલુગુમાં જોવા મળી રહ્યો છે. ત્યાં ફિલ્મના 18 કરોડ રૂપિયાથી વધુની ટિકિટોનું બુકિંગ કરવામાં આવ્યું છે. હિન્દી વર્ઝન માટે 12 કરોડ રૂપિયાથી વધુની ટિકિટ વેચાઈ છે.
આ પણ વાંચો: મારી લોકપ્રિયતા પચાવી ના શક્યો: અનન્યા પાંડેએ જણાવ્યું બ્રેકઅપનું કારણ, જુઓ શું કહ્યું
બુક માય શોમાં પુષ્પા 2 માટે 1 મિલિયનથી વધુ ટિકિટો બુક કરાઈ
બુક માય શોમાં પુષ્પા 2 માટે 1 મિલિયનથી વધુ ટિકિટો બુક કરવામાં આવી છે. આ ફિલ્મે સૌથી ઝડપી આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેણે 10 લાખ ટિકિટના સૌથી ઝડપી બુકિંગના મામલે કલ્કી 2898 એડી, બાહુબલી 2, કેજીએફ ચેપ્ટર 2ને પાછળ છોડી દીધી છે. બુક માય શોના સીઓઓ આશિષ સક્સેનાએ એક નિવેદનમાં આ વાત કહી હતી.
RRRને પાછળ છોડવા તૈયાર
'પુષ્પા 2'ની ટિકિટના એડવાન્સ બુકિંગની રફ્તાર જોતા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પાછળ છોડી દેશે. RRR દેશની પ્રથમ ફિલ્મ છે, જેણે એડવાન્સ બુકિંગમાં રૂ. 58.73 કરોડના આંકડાને સ્પર્શ કર્યો હતો. RRR એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેના નામ પર પ્રથમ દિવસે સૌથી વધુ (223 કરોડ) કમાણી કરવાનો રેકોર્ડ છે.