જેલમાં અલ્લુ અર્જુનને ન મળી કોઈ VIP ટ્રીટમેન્ટ, ફર્શ પર વિતાવી રાત, ભોજન પણ ન લીધું
Allu Arjun did not get VIP Treatment in Jail: 13મી ડિસેમ્બરના રોજ હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, બાદમાં હાઇકોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટનો આદેશ સમયસર ન પહોંચતા અભિનેતાને એક રાત જેલમાં વિતાવી પડી હતી. આ બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે (14મી ડિસેમ્બર) વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે.
અલ્લુ અર્જુનને જેલમાં ન મળી કોઈ VIP ટ્રીટમેન્ટ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જેલમાં તેને કોઈ VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. તેની સાથે સામાન્ય કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. અભિનેતાનો કેદી નંબર 7697 હતો. આખી રાત જેલના ફ્લોર પર સૂઈને પસાર કરી હતી. તેમજ રાત્રે ભોજન પણ લીધું ન હતું.
હું કાયદાનું સન્માન કરું છું: અલ્લુ અર્જુન
વહેલી સવારે જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું કે, 'મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે 'તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર. મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરું છું. ચિંતાની કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું. અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું. ઘટના ખૂબ જ દુ:ખદ હતી, હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું.'
એક રાત જેલમાં કેમ વિતાવવી પડી?
નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું. જેના પગલે અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે અલ્લુ અર્જુનને ગઈકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઇન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.
શું હતો ગઈકાલનો સમગ્ર ઘટનાક્રમ
અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
25મી જાન્યુઆરી સુધી રાહત
હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે તેલંગાણા હાઇકોર્ટમાં મહિલાના મૃત્યુના સંબંધમાં તેની સામે નોંધાયેલ FIR રદ કરવાની વિનંતી કરી હતી. હાઇકોર્ટે તેમને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા અને કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2025 સુધી મુલતવી રાખી.