રણબીર-આલિયાને અયોધ્યાના આમંત્રણ સામે લોકોમાં રોષ
- રણબીર બીફ પસંદ હોવાનું કહી ચૂક્યો છે
- આલિયાના પિતા મહેશ ભટ્ટ આરએસએસ સામે ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે
મુંબઇ : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પણ આમંત્રણ મોકલાતાં નેટયૂઝર્સ ભારે નારાજ થયા છે. ખાસ કરીને રણબીર જેવા ગૌમાંસના ચાહકને શા માટે આ કાર્યક્રમમાં આમંત્રણ અપાવુ ંજોઈએ તેવા સવાલો સાથેની કોમેન્ટસનો મારો ચાલી રહ્યો છે.
સંઘના કેટલાક હોદ્દેદારો રણબીર અને આલિયાને આમંત્રણ આપી રહ્યા હોવાની તસવીર વાયરલ થઈ છે. તે પછી લોકો જાતભાતની કોમેન્ટસ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે.
સંખ્યાબંધ લોકોએ રણબીરનાં એ નિવેદનની યાદ અપાવી છે કે તેને બીફ બહુ ભાવે છે. હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો અપાય છે. ત્યારે રણબીર જેવા બીફ ચાહકને શા માટે આ પ્રસંગે આમંત્રણ આપવું જોઈએ તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે. તાજેતરમાં રણબીરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે જય માતા દી બોલીને કેક પર દારુ રેડી અગ્નિ પ્રગટાવતો જોવા મળ્યો હતો. આ કૃત્ય દ્વારા તેણે હિંદુઓની ધાર્મિક લાગણી દૂભાવી હોવાની ફરિયાદ પણ મુંબઈ પોલીસને આપવામાં આવી છે.
બીજી તરફ આલિયાના પિતા મહેશ ભટ્ટ અગાઉ ટીવી ચર્ચાઓમાં વખતોવખત આરએસએસ પર પ્રહારો કરી ચ ૂક્યા છે. દેશમાં ભાંગફોડની ઘટનાઓ માટે તેમણે એકથી વધુ વખત આરએસએસ પર પ્રહાર કર્યો છે. કેટલાક નેટિઝન્સએ આલિયાને આમંત્રણ વિશે કટાક્ષ કરતાં કહ્યું હતું કે હવે બાકી શું રહ્યું છે, મહેશ ભટ્ટને પણ નોતરું મોકલાવી જ દો.
રણબીર કપૂર 'રામાયણ' ફિલ્મમાં રામની ભૂમિકા ભજવી રહ્યો છે. રામના પાત્ર માટે તેની પસંદગી સામે પહેલેથી વિરોધ થયો છે.