પ્રીતિ ઝિન્ટા તેની આઈપીએલ ટીમના સહમાલિકો સામે કોર્ટમાં
- આઈપીએલ ટીમમાં પ્રીતિનો હિસ્સો ૨૩ ટકા છે
- ભાગીદાર મોહિત બર્મને પોતાનો હિસ્સો થર્ડ પાર્ટીને વેચી દેવાની હિલચાલ આદરી
મુંબઈ: પ્રીતિ ઝિન્ટા તેની આઈપીએલ ટીમ પંજાબ કિગ્ઝના સહભાગીદારો સાથે અદાલતી લડાઈમાં ઉતરી છે. આ ટીમમાં તેના સહ ભાગીદાર મોહિત બર્મને પોતાનો હિસ્સો વેચી દેવાની હિલચાલ આદરતાં પ્રિટીએ તેમની સામે કોર્ટમાં દાવો માંડયો છે.
આ ટીમમાં પ્રિટી ૨૩ ટકા હિસ્સો ધરાવે છે. બર્મન પોતાનો ૧૧.૫ ટકા હિસ્સો ત્રીજા ભાગીદારને વેચી દેવાની હિલચાલ કરી રહ્યા છે. લાંબા સમયથી બર્મન અને પ્રિટી વચ્ચે વિખવાદ ચાલતો હોવાનું કહેવાય છે. હવે પ્રીતિએ બર્મન સામે ચંડીગઢ હાઈકોર્ટમાં દાવો માંડયો છે. તેની દલીલ અનુસાર કંપનીના એગ્રીમેન્ટના પ્રિ એમ્પશન રાઈટ્સ પ્રમાણે બર્મન પોતાનો હિસ્સો વેચવા માટે એકતરફી નિર્ણય કરી શકે નહીં. અદાલતે આ મેટરની સુનાવણી તા. ૨૦મી ઓગસ્ટે યોજવાનું નક્કી કર્યું છે.
આ ટીમમાં પ્રીતિનો એક્સ બોય ફ્રેન્ડ નેહ વાડિયા પણ પાર્ટનર છે. બહુ લાંબા સમયથી બોલીવૂડથી દૂર થઈ ચૂકેલી પ્રિટી હવે સની દેઓલ સાથે 'લાહોર ૧૯૪૭ ' ફિલ્મથી કમબેક કરી રહી છે.