ભારતના પહેલા ચૂંટણી કમિશનરની બાયોપિકમાં સૈફ સાથે પ્રતીક ગાંધી
- રઈસના સર્જક રાહુલ ધોળકિયા ફિલ્મ બનાવશે
- ફક્ત ઓટીટી પર રજૂ થનારી ફિલ્મમાં દિપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં
મુંબઇ : આઝાદ ભારતની સૌથી પહેલી સામાન્ય ચૂંટણી પાર પાડનારા દેશના પહેલા ચૂંટણી કમિશનર સુકુમાર સેનની બાયોપિક બની રહી છે. તેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવશે.
સૈફ સાથે પ્રતીક ગાંધી અને દીપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં હશે.
ચૂંટણી અધિકારી સુકુમાર સેનના નેતૃત્વમાં સ્નંતત્ર ભારતની પહેલી સામાન્ય ચૂંટણીઓ ૧૯૫૧-૫૨માં થઇ હતી. સ્વતંત્ર થયેલા દેશમાં સરકારી તંત્ર માટે, પ્રજા માટે, રાજકીય પક્ષો માટે આ પહેલી ચૂંટણી હતી.
અનેક ટાંચા સાધનો તથા કપરા પડકારો વચ્ચે સફળતાપૂર્વક થયેલી આ ચૂંટણીએ ભવિષ્યમાં દેશમાં થનારી તમામ ચૂંટણીઓનો પાયો નાખ્યો હતો.
'રઈસ'ના સર્જક રાહુલ ધોળકિયા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશનમાં છે અને શૂટિંગ આગામી એપ્રિલ-મે મહિનામાં શરૂ થવાની શક્યતા છે. ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ થશે.