પ્રતીક ગાંધી હવે વેબ સિરીઝમાં ગાંધીજીની ભૂમિકા અદા કરશે
- રામચન્દ્ર ગુહાનાં પુસ્તકો પરથી બની રહી છે વેબ સિરીઝ
- હંસલ મહેતા દિગ્દર્શન કરશેઃ ઐતિહાસિક તથ્યો સાથે બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા સિદ્ધાર્થ બસુની સેવા લેવાશે
મુંબઈ : સ્કેમ વેબ સિરીઝમા કૌભાંડી હર્ષદ મહેતાનો રોલ કરનાર ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે એક વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીની ભૂમિકા અદા કરશે. બહુ મોટા પાયે બનનારી આ સિરીઝની એકથી વધુ સિઝન હશે.
સ્કેમ સિરીયલની પ્રોડયૂસર કંપની એપલોઝ એન્ટરટેઇનમેન્ટ જ આ સિરીઝ બનાવી રહી છે. રામચન્દ્ર ગુહાના બે પુસ્તકો 'ગાંધી બીફોર ઈન્ડિયા' અને 'ગાંધીઃ ધી યર્સ ધેટ ચેન્જ્ડ ધી વર્લ્ડ' પરથી આ સિરીઝનું કથાનક તૈયાર કરવામાં આવશે.
ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો યોગ્ય રીતે રજૂ થાય તે માટે ક્વિઝ શોના માસ્ટર સિદ્ધાર્થ બસુની ખાસ વિશેષજ્ઞા તરીકે સેવા લેવામાં આવશે.
પ્રતીક ગાંધીની સ્કેમ સિરિયલના ડાયરેક્ટર હંસલ મહેતા જ ગાંધી સિરીઝને પણ ડિરેક્ટ કરશે.
ઉલ્લેખનીય છે કે સ્કેમ સિરીઝની બીજી સિઝન પણ તૈયાર થઈ રહી છે. આ સિઝનમાં મહારાષ્ટ્રના અબ્દુલ કરીમ તેલગીના કૌભાંડો આવરી લેવાયાં છે.