પ્રભાસે બે મહિનાનો બ્રેક લીધો, કોઈ શૂટિંગ નહીં કરે
- સર્જરી કરાવવાનો હોવાની પણ અફવા
- સાલારને મિશ્ર પ્રતિભાવ મળ્યા પછી હવે પોતાની કારકિર્દી વિશે વિચારવા સમય લેશે
મુંબઈ : પ્રભાસે બે મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. આગામી બે માસ સુધી તે કોઈ ફિલ્મ શૂટિંગ નહીં કરે.
કેટલાક અહેવાલોમાં થયેલા દાવા અનુસાર પ્રભાસને કેટલીક આરોગ્ય વિષયક તકલીફો સતાવી રહી છે. તેના માટે તે વિદેશમાં સર્જરી કરાવે તેવી પણ સંભાવના છે.
જોકે, સાઉથના ફિલ્મ વર્તુળોમાં ચર્ચા અનુસાર 'સાલાર'ને દક્ષિણ ભારતમાં તો સફળતા મળી પરંતુ ઉત્તર ભારતની માર્કેટમાં તે ખાસ ચાલી નથી. આથી, પ્રભાસના પાન ઈન્ડિયા લોકપ્રિય સ્ટાર હોવાના લેબલ પર ગ્રહણ લાગ્યું છે. તે પહેલાંની પણ તેની મોટાભાગની ફિલ્મો ચાલી નથી. આથી, તે પોતાની કારકિર્દીને હવે કઈ દિશા આપવી તે બાબતે ગંભીર વિચારણા કરવા માગે છે. આથી તેણે કેટલાક સમય સુધી શૂટિંગ વગેરેથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આ સમયગાળામાં તે કદાચ યુરોપ જતો રહે તેવું પણ બની શકે છે.
નિકટના ભવિષ્યમાં પ્રભાસની ઘણી મહત્વની ફિલ્મો આવી રહી છે. દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથેની 'કલ્કિ ૨૮૯૮ એડી'ની રીલીઝ ડેટ પાછી ઠેલાઈ ચુકી છે. એ સિવાય તે સંદિપ વાંગા રેડ્ડીની 'સ્પિરિટ'માં પણ કામ કરવાનો છે.