'હું સુરક્ષિત છું': કેનેડામાં પોતાના ઘરની બહાર ફાયરિંગ બાદ સિંગર એ.પી.ધિલ્લોને કરી પોસ્ટ
Image: Facebook
Punjabi Singer AP Dhillon Firing Case: પંજાબી સિંગર એ.પી.ધિલ્લોનના કેનેડા સ્થિત ઘર પર ફાયરિંગ બાદ સિંગરે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે સોમવાર 2 સપ્ટેમ્બરે તેના કેનેડા સ્થિત ઘરની બહાર ફાયરિંગ બાદ તે સુરક્ષિત છે.
પંજાબી સિંગર એ.પી.ધિલ્લોનના કેનેડા સ્થિત ઘરની બહાર રવિવારે રાત્રે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું, જેનાથી વિસ્તારમાં ભય ફેલાઈ ગયો. એ.પી.ધિલ્લોનનું ઘર વાનકુવરમાં વિક્ટોરિયા આઇલેન્ડ પર સ્થિત છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તેની તપાસમાં લાગી ગઈ છે. આ હુમલા પાછળ ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું નામ સામે આવ્યું છે.
આ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી આ ઘટનાની જવાબદારી લીધી છે. જોકે, હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ એ.પી.ધિલ્લોને સલમાન ખાન અને સંજય દત્તની સાથે ગીત 'ઓલ્ડ મની' રિલીઝ કર્યું હતું.
કેનેડામાં થયેલી આ ફાયરિંગ બાદ વધુ એક ફાયરિંગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ બીજી ઘટનાની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારએ લીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે એક સપ્ટેમ્બરની રાત્રે કેનેડાના વિક્ટોરિયા આઈલેન્ડ અને વુડબ્રિજ, ટોરન્ટોમાં ફાયરિંગ કરવામાં આવ્યુ. વિક્ટોરિયા આઈલેન્ડમાં એ.પી.ધિલ્લોનનું ઘર છે. પોસ્ટમાં ધિલ્લોનના સલમાન ખાન સાથે સંબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ગેંગે ધમકીઆપી છે કે તે અંડરવર્લ્ડના જીવનને કોપી કરી રહ્યાં છે, જ્યારે હકીકતમાં તે જ જીંદગી તેઓ જીવી રહ્યાં છે. હાલ, એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે.