Get The App

પૂનમનો પબ્લિસિટી સ્ટન્ટ ઊંધો પડયો ચાહકોની ટીકા કરતી 60000 પોસ્ટ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
પૂનમનો પબ્લિસિટી સ્ટન્ટ ઊંધો પડયો ચાહકોની ટીકા કરતી 60000 પોસ્ટ 1 - image


- કુશલ ટંડને પૂનમ તથા તેની પીઆર ટીમની ધરપકડની માગણી 

- પૂજા ભટ્ટ, સારાખાન, અલી ગોની, રાહુલ વૈદ્ય, રાખી સાવંત અને નિક્કી તંબોલીએ પૂનમ પાંડેની ટીકા કરી 

- પૂનમે સર્વાઇકલ કેન્સરના સમાચારની પૂરતી નોંધ ન લેવાતાં આ ચાળો કરવો જરૂરી ગણ્યો 

મુંબઇ : ૩૨  વર્ષની મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ સર્વાઇકલ કેન્સરથી પોતાનું મોત થયું હોવાની શુક્રવારે જાહેરાત કરતાં તેના ચાહકો અને ટીવી અને બોલીવૂડના ફિલ્મ સ્ટારોએ આઘાતનો આંચકા સમાન આ સમાચારને સાચાં ગણી તેને સોશ્યલ મિડિયા પર અંજલિઓ આપી દીધી હતી. પણ શનિવારે સવારે પૂનમ પાંડેએ પોતે જીવીત હોવાનો વિડિયો જારી કરી પોતે આ પબ્લિસિટી સ્ટન્ટ સર્વાઇકલ કેન્સર વિશે જાગરૂકતા ફેલાવવા માટે કર્યો હોવાનો દાવો કરતાં વીફરેલાં ચાહકો અને બોલીવૂડની હસ્તીઓએ પૂનમ પાંડેની ટીકા કરતી ૬૦,૦૦૦ પોસ્ટ એક્સ પર કરી તેમનો રોષ ઠાલવ્યો હતો. 

શુક્રવારે સવારે પૂનમ પાંડે અને તેની પીઆર ટીમે ઇન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડે સર્વાઇવકલ કેન્સરના કારણે મૃત્યુ પામી હોવાના સમાચાર તેની બહેનને ટાંકીને વહેતાં કર્યા હતા. એ પછી તેના પરિવારજનો તથા તેની ટીમના મોબાઇલ ફોન બંધ આવતાં હતા  જેના પગલે તેના ચાહકો અને બોલીવૂડમાં ૩૨ વર્ષના મોડેલના મોતના સમાચારને પગલે આઘાત પામી તેને શ્રદ્ધાંજલિઓ આપવા માંડી હતી. તેની ટીમે તે કાનપુરમાં સવારે સાત વાગ્યે અવસાન પામી હોવાનો દાવો કર્યો હતો. જો કે કાનપુરમાં સ્થાનિક પત્રકારોએ તમામ સ્મશાનગૃહ અને કેન્સર હોસ્પિટલમાં તપાસ કરી હતી પણ તેમને પૂનમ પાંડે કેન્સરથી અવસાન પામી હોવાના કોઇ સગડ મળ્યા નહોતાં.પત્રકારોએ તે જે ઇલાકામાં રહે છે તે મુંબઇના અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં જઇ પૂછપરછ કરી હતી પણ તેની બિલ્ડિંગના રહેવાસીઓને પણ કશી ખબર નહોતી. પૂનમના ડ્રાઇવરે પણ જણાવ્યું હતું કે ગઇકાલ સુધી તે તેના બાન્દ્રાના ફલેટમાં હતી પણ અચાનક તે ક્યાંક જતી રહી હતી. તેમાં પણ પૂનમના એક દોસ્તે એમ કહ્યું હતું કે તેને તો લાંબા સમયથી બ્રેઇન ટયુમર થયું હતું અને બીજી ફેબ્રુઆરી સવારે સાત વાગ્યે કાનપુરમાં તેનું અવસાન થઇ ગયું છે. બીજી તરફ તેની પીઆર ટીમે ગુરૂવારે રાત્રે તેનું અવસાન થયું હોવાની જાણકારી આપી હતી. તેના એક મિત્ર બિપિન હેડેકરે જો કે તેના વટાણાં વેરી નાંખતા જણાવેલું કે તેને કશું જ થયું નથી. તેમાં પણ મોડી રાત સુધી તેના અંતિમ સંસ્કારના સમાચાર ન આવતાં પત્રકારોને આ પબ્લિસિટી સ્ટન્ટ હોવાની શંકા પડી હતી જે સાચી પડી હતી. 

રસપ્રદ બાબત એ છે કે એક વિડિયોમાં એ એમ કહેતી નજરે ચડે છે કે તે કોઇ મોટું પરાક્રમ કરવાની છે. લોકોને જ્યારે એમ લાગવા માંડે કે છોકરી સુધરી રહી છે ત્યારે જ લોકોને ઝટકો આપવાનું તેને બહું ગમે છે. લોકો હવે આ વિડિયોને તેના ચીપ પબ્લિસિટી સ્ટન્ટ સાથે જોડીને જોઇ રહ્યા છે. 

જો કે, શનિવારે સવારે તેણે વિડિયો પોસ્ટ કરી પોતાનું મોત સર્વાઇકલ કેન્સર દ્વારા ન થયું હોવાની જાહેરાત કરી હતી અને તેના ચાહકો તથા ફિલ્મ ઉદ્યોગના સાથીઓની માફી માંગી પોતે આ સ્ટન્ટ સર્વાઇકલ કેન્સર બાબતે જાગરૂકતા ફેલાવવા માટે કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. પણ એક સમાચાર અનુસાર પૂનમ પાંડેએ પોતાના મોતના સમાચાર જાણીજોઇને એક ખાસ હેતુ સર ફેલાવ્યા હતા.પૂનમ પાંડેએ સર્વાઇકલ કેન્સરની રસીને પ્રમોટ કરવા માટે પોતાના મોતના સમાચાર ફેલાવ્યા હતા. 

પૂનમ પાંડેએ કેન્દ્રના નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ૯થી ૧૪ વર્ષની કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી આપવાની સરકારની યોજનાની તેમના વચગાળાના બજેટમાં જાહેરાત કરી તેનો હવાલો આપી જણાવ્યું હતું કે હું ખાતરી સાથે કહું છું કે બહું ઓછી સંખ્યામાં રસી લેવામાટે નામો નોંધાયા હશે. આટલી મહત્વની માહિતી જાહેર થઇ હોવા છતાં પ્રેસનું ધ્યાન તેના ભણીઆકર્ષાયુ નહોતું પણ સર્વાઇકલ કેન્સરના કારણે મારું મોત થયાના સમાચારને કારણે સમગ્ર સમાચારે નાટયાત્મક વળાંક લીધો હતો. પૂનમ પાંડેએ ઉમેર્યું હતું કે જેને કારણે તેને હસ્તક્ષેપ કરવાનું જરૂરી લાગ્યું હતું. 

જો કે, પૂનમ પાંડેના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સહકલાકારોને ગળે તેની વાત ઉતરી નહોતી અને તેમણે સોશ્યલ મિડિયા એક્સ પર ટીકાનો મારો ચલાવ્યો હતો. પૂનમના મોતના સમાચાર જાણી તેને અંજલિઆપી દેનાર પૂજા ભટ્ટે જણાવ્યું હતું કે હું મારી અગાઉની પોસ્ટ કદી ડિલિટ કરતી નથી પૂનમ પાંડેના મોતના આઘાત વિશેની પોસ્ટ મારે ડિલિટ કરવી પડી છે. કેમ કે  તેની ડિજિટલ પીઆર ટીમ દ્વારા તના મોતના  ફેલાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જે લોકો આ બિમારી સામે લડી રહ્યા છે તેમની આ કુસેવા છે. 

ટીવી એક્ટર અલી ગોનીએ પૂનમની આ હરકતને પ્રસિદ્ધિ મેળવવાનો સસ્તો સ્ટન્ટ ગણાવી તેનો તથા તેની પીઆર ટીમનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. આ સમાચાર ખોટા હોવાનો દાવો કરનારા ગાયક અને બીગ બોસના કન્ટેસ્ટન્ટ  રાહુલ વૈદ્યએ જણાવ્યું હતું કે  હવે પૂનમ જીવતી છે ત્યારે હું  ચોક્કસપણ કહી શકું કે પીઆર-માર્કેટિંગ રેસ્ટ  ઇન પીસ.  સનસનાટીભર્યા સમાચાર વાઇરલ કરવા માટે નીચતાની નવી હદ,કલયુગમાં તમારું સ્વાગત છે. ટીવી એક્ટર કુશલ ટંડને પૂનમ પાંડે અને તેની પીઆર ટીમની ધરપકડ કરવાની માગણી કરી હતી જેથી ભવિષ્યમાં લોકો આવા સ્ટન્ટ કરતાં પહેલાં વિચાર કરે. શર્લિન ચોપરાએ પૂનમની આ હરકતને બેશર્મીની હદ ગણાવી હતી તો રાખી સાવંતે જણાવ્યું હતું કે તે ચાહકો, મિડિયા અને મારા દિલ સાથે રમત કરી છે. અને પાછી તું કહે છે કે તું જીવતી છે. આ પ્રકારની ગંદી હરકતો કોણ કરે છે? પૂનમ પાંડેના ચાહકોએ તેની આ હરકતને સૌથી ખરાબ પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી તેને સૌથી મોટી છેતરપિંડી આચરનારી મોડેલ ગણાવી હતી. 


Google NewsGoogle News