Poonam pandey death stunt: જ્યારે મુકેશ ભટ્ટે ફિલ્મ હિટ કરવા માટે આ એક્ટ્રેસના મોતના ખોટા સમાચાર છપાવ્યા હતા
- 1994માં મેકર્સે ફિલ્મને હિટ કરાવવા માટે તમામ હદ વટાવી દીધી હતી અને એક્ટ્રેસના મોતના સમાચાર આગની જેમ ફેલાવી દીધા હતા
નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર
સિનેમાની દુનિયામાં અનેક ઓરિજનલ સ્ટોરીઓની સાથે કાલ્પનિક સ્ટોરીઓ પર પણ ફિલ્મો બનાવવામાં આવે છે. પોતાની ફિલ્મોને હિટ કરવા માટે મેકર્સ અનેક પ્રકારની યુક્તિઓ વાપરે છે. કોઈ હિરોઈન દ્વારા ફિલ્મના પ્રમોશનથી ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરે છે તો કોઈ વિવાદાસ્પદ નિવેદનો સાથે. આજે સોશિયલ મીડિયા પર દરેક ફિલ્મમેકર અને સ્ટાર ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે માત્ર પોસ્ટર્સ અને જાહેરાત દ્વારા જ ફિલ્મોનું પ્રમોશન થતુ હતું. એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડેના મોતના સમાચાર ખોટા નીકળ્યા પરંતુ શું તમે જાણો છો કે, આવો જ એક પબ્લિસિટી સ્ટન્ટ મૂકેશ ભટ્ટે કર્યો હતો. જોકે, તેમના આ સ્ટન્ટ બાદ ખૂબ હોબાળો મચ્યો હતો.
પૂનમ પાંડેએ મોતના જૂઠા સમાચાર ફેલાવી પબ્લિસિટી સ્ટન્ટ કર્યો હતો. જ્યારે આ હકીકત સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર લોકો તેના પર ખૂબ ભડકી રહ્યા છે અને તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, 30 વર્ષ પહેલા મુકેશ ભટ્ટે એક એક્ટ્રેસના મોતના ખોટા સમાચાર છપાવ્યા હતા અને ત્યારબાદ ખૂબ જ હોબાળો મચ્યો હતો. તો ચાલો જાણીએ કોણ હતી એ એક્ટ્રેસ અને મુકેશ ભટ્ટે કેમ છપાવ્યા હતા ખોટા સમાચાર.
જ્યારે મેકર્સે ફિલ્મ હિટ કરવા માટે તમામ દહ વટાવી હતી
મેકર્સ હોય કે, સ્ટાર્સ બધા એ સારી રીતે જાણે છે કે, કોઈ પણ ફિલ્મને હિટ કરાવવા માટે તેનું પ્રમોશન ખૂબ જ જરૂરી છે. આજથી વર્ષો પહેલા જ્યારે સોશિયલ મીડિયા નહોતું અને લોકો તેનાથી ઘણા દૂર હતા ત્યારે ફિલ્મોના પ્રમોશન માટે અલગ-અલગ ઈવેન્ટ્સ, મોટા-મોટા હોર્ડિંગ્સ અને પેપરમાં છપાતી ખબરો જ ફિલ્મોને હિટ અને ફ્લોપ કરાવવાનો હિસ્સો બનતી હતી. પરંતુ 1994માં મેકર્સે ફિલ્મને હિટ કરાવવા માટે તમામ હદ વટાવી દીધી હતી અને એક્ટ્રેસના મોતના સમાચાર આગની જેમ ફેલાવી દીધા હતા.
હોલીવુડ ફિલ્મની રિમેક છે 'ક્રિમિનલ'
આ કિસ્સો 1994માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્રિમિનલ'નો છે. 'ક્રિમિનલ' એ હોલીવુડ ફિલ્મ 'The Fugitive'ની હિન્દી રિમેક હતી. આ ફિલ્મની કહાની એક એવા ડોક્ટરની હતી જેના પર તેની પત્નીની હત્યાનો આરોપ હતો. થોડા વર્ષો બાદ જ્યારે તે નિર્દોષ સાબિત થાય છે ત્યારે તે ફરીથી લગ્ન કરી લે છે.
મનીષા કોઈરાલાના મોતની ફેલાવી હતી જૂઠી અફવા
મનીષા કોઈરાલાએ ફિલ્મ 'ક્રિમિનલ'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા ઉપરાંત નાગાર્જુન, રામ્યા કૃષ્ણન અને જોની લીવર સહિત અન્ય ઘણા કલાકારો હતા. આ ફિલ્મનું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું હતું અને પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટ હતા. પરંતુ આ ફિલ્મને હિટ બનાવવા માટે મેકર્સે મોટું જૂઠ ફેલાવ્યુ હતું જેમાં ચાહકો ફસાઈ ગયા હતા. આ ફિલ્મના પ્રમોશન માટે મનીષા કોઈરાલાના મૃત્યુના સમાચાર ચાહકોમાં આગની જેમ ફેલાવી દેવામાં આવ્યા હતા.
મેકર્સે કેમ ફેલાવ્યુ હતું જૂઠ
મેકર્સ ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ આ ફિલ્મ વિશે જાણે અને તેથી જ તેઓએ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મનીષાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવાનો નિર્ણય કર્યો હતો. એવું એટલા માટે પણ કરવામાં આવ્યું હતુ કારણ કે ફિલ્મમાં મનીષાના પાત્રનું મૃત્યુ થઈ જાય છે અને આ પ્રમોશનને તેની સાથે જ જોડી દેવામાં આવે છે. જો કે, આ સમાચારને માત્ર ચાહકોએ જ નહીં પરંતુ ઘણા સેલેબ્સે પણ સમાચાર સાચા માની લેવામાં આવ્યા હતા અને પછી મનોરંજન જગતમાં મનીષા કોઈરાલાના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લોકોએ ફિલ્મને ઘટિયા ગણાવી હતી
પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે મનીષા કોઈરાલના મૃત્યુના સમાચાર ખોટા છે ત્યારે બધા ભડક્યા હતા લોકોએ ફિલ્મને ઘટિયા ગણાવી હતી અને નિર્માતાઓને આડેહાથ લીધા હતા. બોક્સ ઑફિસ પર 'ક્રિમિનલ' રિલીઝ થઈ એ જ દિવસે અજય દેવગનની 'હલચલ' અને આમિર ખાનની 'આતંક હી આતંક' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી શકી. પરંતુ આ ફિલ્મે વિદેશમાં આ ફિલ્મે સારી કમાણી કરી હતી.