ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સામે કેસ નોંધાયો, CM ચંદ્રબાબુ નાયડુની મોર્ફ તસવીર શેર કરવાનો આરોપ
Police Case Against Filmmaker Ramgopal Varma: ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માનો વિવાદો સાથે જૂનો સબંધ રહ્યો છે. તેઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. હવે ફરી એક વખત તેમની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. તેમના સામે FIR નોંધવામાં આવી છે. આ વખતે મામલો આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે જોડાયેલો છે. આંધ્ર પ્રદેશ પોલીસે રામ ગોપાલ વર્મા સામે સીએમ ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. તેમના પર સીએમ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશની મોર્ફ કરેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે.
પવન કલ્યાણની પણ મોર્ફ તસવીરો શેર કરવાનો આરોપ
રામ ગોપાલ વર્મા પર જનસેના પાર્ટી ચીફ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ અને TDP નેતાઓની પણ મોર્ફ તસવીરો શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની સામે પ્રકાશમ જિલ્લાના મદ્દીપડુ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ તેમના પર ટીડીપી નેતા રામલિંગમે દાખલ કરાવ્યો છે.
રામગોપાલ વર્મા વિરુદ્ધ રવિવારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરાને ટાર્ગેટ કર્યા છે. આ ફરિયાદમાં તેમના પર સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફિલ્મ પ્રમોશન દરમિયાનનો મામલો
અહેવાલ પ્રમાણે રામગોપાલ વર્માએ પોતાની ફિલ્મ વ્યૂહમના પ્રમોશન દરમિયાન અપમાનજનક પોસ્ટ કરી હતી. તેમની આ ફિલ્મ પહેલા વર્ષ 2023માં રિલીઝ થવાની હતી. જો કે, તેની રિલીઝ ટાળી દેવામાં આવી હતી અને પછી આ ફિલ્મ આ જ વર્ષે 2 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવી હતી.