અમિતાભના ઘર બહાર અભિષેક માટે ઉમટી પડ્યા લોકો, બિગ બી ચોંક્યા, બહાર આવીને માફી માંગી
Image Source: Blog
મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી 2024 મંગળવાર
અમિતાભ બચ્ચન અત્યારે ખૂબ ચર્ચામાં છે. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાથી લઈને બ્લેકના ડિજિટલ રિલીઝ સુધીના સારા પ્રસંગોના કારણે બિગ બી ખૂબ ખુશ છે. બ્લેક 4 ફેબ્રુઆરીએ ઓટીટી પર રિલીઝ થઈ હતી અને એ દિવસે આ ફિલ્મે 19 વર્ષ પૂરા કર્યા.
ચાર ફેબ્રુઆરીએ રવિવાર હતો. રવિવારે વર્ષોથી ચાહકો અમિતાભ બચ્ચનના ઘરે જલસામાં એકઠા થાય છે. બિગ બી તેમને મળે છે. તેમને ઓટોગ્રાફ આપે છે અને અભિવાદન કરે છે પરંતુ આ વખતે જલસામાં ચાહકો અમિતાભ બચ્ચન માટે નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન માટે ઉમટ્યા. તેમણે પોતાના બ્લોગમાં ગયા રવિવારની ઘણી તસવીરો શેર કરી. આ તસવીરોમાં જલસામાં એકત્ર થયેલી ચાહકોની ભીડ જોવા મળી રહી છે. અમિતાભ ચાહકોનું અભિવાદન પણ કરી રહ્યા છે. પરંતુ ચાહકોની આ ભીડ આ વખતે અમિતાભ બચ્ચનની સાથે-સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન માટે પણ જમા થઈ. અભિષેકનો બર્થડે હતો. અભિષેકે આ વર્ષે પાંચમી ફેબ્રુઆરીએ 48મો જન્મદિવસ મનાવ્યો.
અભિષેક બચ્ચનના જન્મ દિવસના એક દિવસ પહેલા બચ્ચનના આ ચાહકો હાથમાં પોસ્ટર્સ અને બેનર લઈને પહોંચ્યા હતા જેમાં અભિષેકને શુભકામના આપવાના મેસેજ લખેલા હતા. ચાહકોના હાથમાં અભિષેક બચ્ચનના અલગ-અલગ પાત્ર વાળા પોસ્ટર્સ હતા જે તેમની જર્ની અને શ્રેષ્ઠ અદાકારીની ઝલક દર્શાવી રહ્યા હતા. પુત્ર અને પોતાના માટે આટલો પ્રેમ જોઈને અમિતાભ ભાવુક થઈ ગયા.
અમિતાભ બચ્ચને જલસાની આ સુંદર તસવીરો શેર કરીને લખ્યું કે, ‘...'અને આજે અભિષેકને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ આપવા તમામ ચાહકોને મારો ખૂબ-ખૂબ આભાર. દરેકને વ્યક્તિગત રીતે જવાબ આપવામાં સક્ષમ ન હોવા માટે હું માફી માંગુ છું. અને જ્યાં સુધી હું વ્યક્તિગત રીતે જવાબ આપતો નથી ત્યાં સુધી મને ભાવનાનો અનુભવ થતો નથી. મને એક એવી ટીમ રાખવી ખૂબ અયોગ્ય લાગે છે, જે ઘણાં લોકો માટે આવું કરી શકે છે અને કદાચ કરે પણ છે. પરંતુ હું તેનાથી બચુ છું. મને પ્રેમ મળ્યો છે, હંમેશાની જેમ. તમારા સૌનો પ્રેમ...’