અલ્લુ અર્જુનને ફુઆ પવન કલ્યાણે આપ્યો ઝટકો! કોંગ્રેસના CMના વખાણ કરી કહ્યું- કાયદો તમામ માટે સમાન
Pawan Kalyan On Sandhya Theater Stampede: સંધ્યા થિયેટર નાસભાગ મામલે અભિનેતા અલ્લુ અર્જુન વિરૂદ્ધ કાર્યવાહી મામલે રાજકારણ ગરમાયું છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અલ્લુ અર્જુનના ફુઆના ભાઈ પવન કલ્યાણે નિવેદન આપ્યું છે કે, 'કાયદો તમામ માટે સમાન છે, પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં કામ કરવુ જોઈએ. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની પ્રશંસા કરતાં તેમને મહાન નેતા ગણાવ્યા છે, જ્યારે અલ્લુ અર્જુનને મૃતક મહિલાના પરિજનોની મુલાકાત લેવા સલાહ આપી છે.'
મીડિયા અહેવાલ મુજબ, મંગલાગિરીમાં સોમવારે ફિલ્મ અભિનેતા કલ્યાણે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટના પર પ્રતિક્રિયા આપતાં સરકાર અને પોલીસની વાહવાહી કરી હતી. જ્યારે અલ્લુ અર્જુનને સલાહ સૂચનો આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો, તે સમયે ફિલ્મ સ્ટારના આગમનને કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. આ ઘટનામાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. મહિલાના મોત બદલ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધી ધરપકડ કરી હતી. જો કે, હાઈકોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા.
'પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે'
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે 'અધિકારીઓ માટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. કાયદો દરેક માટે સમાન છે. આવી ઘટનાઓમાં પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જો કે, થિયેટર સ્ટાફે અલ્લુ અર્જુનને પરિસ્થિતિ વિશે અગાઉથી જાણ કરવી જોઈતી હતી. એકવાર તેણે મિટિંગ કરી મેનેજમેન્ટ તરફ ધ્યાન આપ્યું હોત તો આ અરાજકતા સર્જાઈ ન હોત.'
અલ્લુ અર્જુનના સંબંધી પવન કલ્યાણ
પવન કલ્યાણ અલ્લુ અર્જુનના સંબંધી છે. તેની ફોઈ સુરેખાએ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી સાથે લગ્ન કર્યા છે અને ચિરંજીવી પવન કલ્યાણના મોટા ભાઈ છે. જ્યારે પવન કલ્યાણને પૂછવામાં આવ્યું કે અભિનેતા આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શક્યા હોત તો પવન કલ્યાણે કહ્યું, 'જો અલ્લુ અર્જુન પીડિતાના પરિવારને પહેલા જ મળ્યો હોત તો સારું થાત, તેનાથી આ વિવાદ વકર્યો ન હોત.' ફિલ્મ અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે તેનો મોટો ભાઈ ચિરંજીવી પણ તેની ફિલ્મોના સ્ક્રિનિંગમાં આવતો હતો પરંતુ હોબાળો અને અરાજકતા ન સર્જાય તે માટે તે ઘણીવાર માસ્ક પહેરતો હતો.