આંધ્રપ્રદેશના ડિપ્ટી CM બન્યા બાદ પવન કલ્યાણે ફિલ્મોને લઇને લીધો આ નિર્ણય
Pawan Kalyan: સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે જાહેરાત કરી છે કે, તે આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM બન્યા બાદ ફિલ્મોમાં કામ નહીં કરે. તેમનું સમગ્ર ધ્યાન તેમના મતવિસ્તાર પર રહેશે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે તેની અગાઉની કમિટમેન્ટને પૂર્ણ કરશે.
પવન કલ્યાણે બુધવારે તેમના મતવિસ્તાર પીથાપુરમ(pithapuram)માં જાહેર સભા કરી હતી. આ દરમિયાન પવનના ચાહકોએ 'ઓજી'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે પવને કહ્યું- ઓજી? શું તમને લાગે છે કે મારી પાસે ફિલ્મો બનાવવા માટે સમય હશે? મેં 5 વચનો આપ્યા હતા. સૌથી પહેલા હું આ મતવિસ્તારને સુધારવા પર ધ્યાન આપવા માંગુ છું.
ફિલ્મ મેકર્સની માફી માંગી!
સાઉથ એક્ટરે વધુમાં કહ્યું કે, હુ મારી કમિટેડ ફિલ્મો પૂર્ણ કરીશ પરંતુ હાલ રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છુ. ખાડા ન પૂરવા કે નવા રસ્તા ન બનાવવા માટે ઓછામાં ઓછું કોઈએ મને દોષિત ન ગણવો જોઈએ. જો કોઈ મને પ્રશ્ન કરે કે, હું OG ના શૂટિંગમાં કેમ વ્યસ્ત છું તો હું શું કરીશ? મારા મનમાં એ ડર સાથે મેં મારા ફિલ્મ મેકર્સને પણ કહ્યું કે, તમે મને માફ કરી દો.
'ઓજી' વિશે શું કહ્યુ?
પવને કહ્યું- 'મારે પહેલા લોકોની સેવા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારે મને તેના માટે સમય મળશે ત્યારે જ હું ફિલ્મોનું શૂટિંગ કરીશ.
પવન કલ્યાણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે હાલમાં ત્રણ ફિલ્મો છે જેનું શૂટિંગ તેણે હજી પૂરું કરવાનું બાકી છે. દર્શકો સુજીતની 'ઓજી'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તેમની પાસે તમિલ ફિલ્મ 'થેરી'ની તેલુગુ રિમેક 'ઉસ્તાદ ભગત સિંહ' પણ છે. તે 'હરિ હર' 'વીરા મલ્લુઃ પાર્ટ 1 - સ્વોર્ડ વર્સીસ સ્પિરિટ'માં પણ જોવા મળશે.