વિવાદોને પગલે 'પઠાણ' નું ટ્રેલર રિલીઝ કરવામાં વિલંબ
- ફિલ્મની રિલીઝ ડેટમાં હવે મહિનો પણ બાકી નથી
- બિકીની વિવાદને પગલે નેગેટિવ માહોલ બન્યો હોવાથી હવે દર્શકોને આકર્ષવા ટ્રેલરનો જ આશરો
મુંબઈ : શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની 'પઠાણ' ફિલ્મની રિલીઝને હવે એક મહિનો પણ બાકી નથી રહ્યો તે છતાં પણ તેનું ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. યશરાજ ફિલ્મ્સ તથા શાહરુખ- દીપિકા જેવા સ્ટાર્સની ફિલ્મ માટે ટ્રેલરમાં આ વિલંબ અસામાન્ય છે. શાહરુખ 'ઝીરો' ફિલ્મ બાદ ચાર વર્ષે મોટા પડદે આવી રહ્યો છે તે છતાં પણ આ ફિલ્મના ટ્રેલર સહિતની યોજનાઓ બિકીની વિવાદને પગલે ખોરંભાઈ ગઈ છે.
ફિલ્મનાં 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને બોલ્ડ ચેષ્ટાઓ કરી છે તેથી ભારે રોષ ફેલાયો છે. ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવા સહિતની માગણીઓ થઈ છે. તે પછી ફિલ્મનું 'ઝૂમે રે પઠાણ' ગીત રિલીઝ થયું હતું પરંતુ તે સાવ બકવાસ અને નિમ્ન સ્તરનું હોવાનો ચુકાદો દર્શકોએ આપી દીધો છે. આથી ફિલ્મ સર્જક યશરાજ ફિલ્મસના આદિત્ય ચોપરાનું ટેન્શન વધ્યું છે.
હવે ગમે તે દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવું જોઈએ તેવી અટકળો ટ્રેડ વર્તુળોમાં સેવાય છે. તેમના મતે બિકીની વિવાદને પગલે ફિલ્મ માટે નેગેટિવ માહોલ ક્રિએટ થયો છે. તેને હવે પોઝિટિવ કરવા માટે ટ્રેલર જ એક માત્ર આશરો છે. અન્યથા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.