Get The App

પરિણિતી અને રાઘવ ઉદેપુર પહોંચ્યા, આજે મ્યુઝિકલ નાઈટમાં પ્રિયંકા આવશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પરિણિતી અને રાઘવ ઉદેપુર પહોંચ્યા, આજે મ્યુઝિકલ નાઈટમાં પ્રિયંકા આવશે 1 - image


- બંને પક્ષના સ્વજનો સહિત સાજનમાજનની શણગારેલી બોટમાં સવારી 

- લગ્ન માટે જતી વખતે યુગલે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કર્યોઃ હોટલમાં રોજના દસ લાખનાં ભાડાંના સ્વીટમાં રહેશેઃ ભાગ્યશ્રી સહિતના કલાકારો પણ પહોંચ્યા

મુંબઈ : પરિણિતી ચોપરા તથા રાઘવ ચઢ્ઢા લગ્ન માટે ઉદેપુર પહોંચી ગયાં છે. તેમની સાથે ્અન્ય મહેમાનોનો રસાલો પણ ઉદેપુર પહોંચ્યો છે. સૌનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું. બાદમાં બધા શણગારેલી હોડીમાં બેસી લેક પિછોલાની સેર કરતાં કરતાં હોટલ પર પહોંચ્યાં હતાં. આ સાથે જ ઉદેપુરમાં વિવિધ પ્રસંગોની ઉજવણી શરુ થઈ ગઈ છે. આજે મોડી સાંજ બાદ મહેંદીનું આયોજન કરાયું હતું. આવતીકાલે મ્યુઝિકલ નાઈટ છે. તેમાં  પ્રિયંકા ચોપરા હાજર રહે તેવી સંભાવના છે. 

મેરેજ માટે જઈ ર હેલાં યુગલે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કરતાં તેમની આ સાદગીની ઈન્ટરનેટ પર ભારે પ્રશંસા થઈ હતી. હોટલ ખાતે મહેમાનોનું ઢોલ નગારા તથા શરણાઈના સૂર સાથે પરંપરાગત રીતે સ્વાગત થયું હતું. 

લગ્ન માટે પ્રિયંકા ચોપરાની માતા તથા ભાઈ પણ ઉદેપુર પહોંચ્યાં છે. પ્રિયંકા અમેરિકાથી દીકરી માલતી સાથે રવાના થઈ હોવાનું કહેવાય છે. આવતીકાલે મ્યુઝિકલ નાઈટનો પ્રોગ્રામ છે તે વખતે પ્રિયંકા ઉદેપુર પહોંચી જાય તેવી સંભાવના છે. જોકે, તેનો પતિ નિક જોનાસ આ લગ્નમાં હાજરી આપવાનો નથી. 

લગ્ન માટે પહોંચેલાં અન્ય મહેમાનોમાં અભિનેત્રી  ભાગ્યશ્રીનો પણ સમાવેશ થાય છે. તે તેના પતિ હિમાલય સાથે પહોંચી હતી. પરિણિતીના બોલીવૂડના અન્ય કેટલાય મિત્રો પણ આજ  સાંજ સુધીમાં પહોંચવાની શક્યતા છે. 

માહિતી અનુસાર લગ્ન સ્થળે આવનારા બોલીવૂડ તથા રાજકારણના સેલિબ્રિટીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. આશરે ૧૦૦થી વધુ સિક્યોરિટી જવાનોનો કાફલો તૈનાત રખાયો છે.  હોટલ ઉપરાંત તળાવમાં પણ ચાર-પાંચ બોટમાં સિક્યોરિટી જવાનોને તૈનાત કરાયા છે જેથી પાપારાઝી ફોટોગ્રાફર્સ કે અન્ય કોઈ બોટ દ્વારા હોટલ નજીક પહોંચવાનો પ્રયાસ ન કરે.  બીજી તરફ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભાગવંત માન સહિતના રાજનેતાઓ પણ લગ્નમાં હાજરી આપવાના હોવાથી રાજસ્થાન પોલીસે પણ પોતાની રીતે સલામતી બંદોબસ્ત ગોઠવ્યો છે. 

મહેમાનોને મોબાઈલ કેમેરાનો ઉપયોગ નહીં કરવા જણાવાયું છે. મહેમાનો તથા હોટલ સ્ટાફના કેમેરા પર બ્લૂ ટેપ લગાવી દેવાશે. જેથી કોઈ લગ્ન પ્રસંગોના ફોટા સોશિયલ મીડિયા પર શેર ન કરી શકે. 

જોકે, આજે સાજનમાજન બોટ દ્વારા રવાના થયાં તેનો વીડિયો ખુદ રાઘવ ચઢ્ઢાના ભાઈએ જ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.  મોટાભાગના પ્રસંગો બે વૈભવી હોટલોમાં યોજાવાના છે.  તેમાંથી  આ યુગલ માટે રુપિયા દસ લાખનું રોજનું ભાડું ધરાવતો મહારાજા સ્વીટ બૂક કરવામાં આવ્યો  છે. લગ્ન પ્રસંગ તા. ૨૪મીએ યોજાવાનો છે. એક હોટલમાંથી રાઘવ ચઢ્ઢાનો વરઘોડો નીકળશે અને બીજી હોટલમાં ફેરા યોજાવાના છે.


Google NewsGoogle News