ગઝલ સમ્રાટ પંકજ ઉધાસને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ, બોલીવુડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

- પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર વરલીના હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ગઝલ સમ્રાટ પંકજ ઉધાસને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ, બોલીવુડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 1 - image


મુંબઈ, તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર

ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમનું ગઈ કાલે નિધન થઈ ગયુ હતું. તેમણે 72 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આજે તેમના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાં રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. બપોરે 3:00 વાગ્યે તેમના પાર્થિવ દેહને ફૂલોથી શણગારેલી ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો. ટ્રકની ઉપર તેની એક મોટી ફોટો ફ્રેમ પણ મૂકવામાં આવી હતી. ત્યારબાદ ટ્રક સ્મશાન તરફ આગળ વધી હતી.

પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના સભ્યો અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકાર અને એક્ટર્સ સામેલ થયા હતા. શંકર મહાદેવન, અનૂપ જલોટા, સોનૂ નિગમ, સુનીલ ગાવસ્કર, વિદ્યા બાલન, આનંદ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.  

ગઝલ ગાયક પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર વરલીના હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા છે. પંકજ ઉધાસના પાર્થિવ દેહને અંતિમ સલામી આપવામાં આવી હતી. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. ગઝલ ઉપરાંત તેઓ તેમના ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા. 1980માં તેમણે તેમના ગઝલ આલ્બમ 'આહત' માટે લોકપ્રિયતા મેળવી હતી. બાદમાં તેમણે 'નામ', 'મુકરાર', 'તરન્નુમ' અને 'મહેફિલ' જેવી ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.


Google NewsGoogle News