‘પંચાયત-3’ની આ અભિનેત્રીને પિતાના વ્યવસાયથી શરમ આવતી, કહ્યું- તે ટ્રક ડ્રાઈવર હતા અને હું નહોતી ઈચ્છતી કે...
Panchayat-3: ‘પંચાયત 3’ની અભિનેત્રી સુનીતા રજ્વારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેના સ્ટ્રગલના દિવસો યાદ કર્યા હતા. આ દરમિયાન સુનીતાએ તેના પિતાના વ્યવસાય વિશે પણ રસપ્રદ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મને મારા પિતાના કામ પર ગર્વ અનુભવવામાં ઘણો સમય લાગ્યો. મને પિતાના વ્યવસાય વિશે વાત કરવામાં કે કોઈને કહેવામાં શરમ આવતી હતી.’
સુનીતાએ યાદ કર્યા સંઘર્ષના દિવસો
સુનીતાએ કહ્યું કે ‘હું એક્ટિંગની દુનિયામાં નવી હતી ત્યારે મારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. હું ટીવી પર નાના નાના રોલ કરીને ગુજરાન ચલાવતી હતી. જેમાં મોટાભાગના ટીવી શોમાં હું નોકરાણીનો જ રોલ કરતી. ત્યાર બાદ OTTમાં ફેમસ થયા બાદ મને મોટી ભૂમિકા મળવા લાગી.’
મારા પિતા એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા
એક ઇન્ટરવ્યૂમાં સુનીતાએ કરિયરના શરૂઆતના દિવસો યાદ કરતા કહ્યું હતું કે, ‘હું સ્કૂલમાં ભણતી ત્યારે મને એ વાત સ્વીકારવામાં ઘણો સમય લાગ્યો કે મારા પિતા એક ટ્રક ડ્રાઈવર છે. તેમજ બધા સામે મારા પિતાનો વ્યવસાય સ્વીકારવા માટે પણ મારે ઘણી હિંમત કરવી પડી.’
પિતા સાથેના સંસ્મરણોને યાદ કરતા સુનીતાએ કહ્યું કે, ‘હું સ્કૂલમાં ભણતી ત્યારે બધા બાળકોને તેમના ડ્રાઈવર સ્કૂલે મૂકવા આવતા, તેમજ તેમના માટે લંચ પણ લાવતા. આ બાળકોના પિતા અલગ અલગ પ્રોફેશન સાથે જોડાયેલા હતા, જ્યારે મારા પિતા ટ્રક ડ્રાઈવર બન્યા તે પહેલા એક દુકાનદારના ત્યાં નોકરી કરતા. તેમણે પોતાની બધી જ બચત અમારા પરિવારની સંભાળ રાખવામાં ખર્ચી નાખી અને ત્યારબાદ ટ્રક ચલાવવાનું શરુ કર્યું હતું.’
સુનીતાએ આ બાબતે એવું પણ કહ્યું હતું કે ‘મેં મોટા થયા પછી પણ પિતાના વ્યવસાયની વાત છુપાવી હતી. જો કે પછી મને સમજાયું કે આ શરમાવા જેવી બાબત નથી પરંતુ ગર્વ લેવા જેવી વાત છે.’