'પાકિઝા'ની રીમેકમાં પાક.ની મીરા મીનાકુમારીના રોલમાં
- યુએસનું પ્રોડક્શન હાઉસ રીમેક બનાવશે
- આગઉ માહિરાનું નામ આ રોલ માટે ચર્ચાયું હતું, ભારતમાં રિલીઝ થવા અંગે અટકળો
મુંબઇ : એક અમેરિકી પ્રોડક્શન હાઉસે બોલીવૂડની ક્લાસિક ફિલ્મ 'પાકિઝા'ની રીમેક બનાવવાનું સાહસ ખેડવાનું નક્કી કર્યું છે. જોકે, આ ફિલ્મ પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીઝ માટે બની રહી હોવાથી તેમાં મીનાકુમારીવાળી ભૂમિકા માટે પાકિસ્તાની અભિનેત્રી માહિરા જીને પસંદ કરવામાં આવી છે.
લોલીવૂડ તરીકે ઓળખાતી પાક. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી આ રિમેકની ચર્ચા ચાલતી હતી. પાકિસ્તાનની આજની સર્વાધિક લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માહિરા ખાન આ રોલ માટે નક્કી હોવાનું મનાતું હતું.
જોકે, હવે મીરાએ ખુદ મીડિયા સમક્ષ કન્ફર્મ કર્યું છે કે મીનાકુમારીવાળી ભૂમિકા તે કરી રહી છે.
કમાલ અમરોહી દ્વારા નિર્મિત 'પાકિઝા' ભારતીય સિનેમાની કલાસિક કૃતિ ગણાય છે. ૧૯૫૬માં આ ફિલ્મનું કામ શરુ થયું હતું પરંતુ તે છેક ૧૯૭૨માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થઈ તે પછી તરત જ મીનાકુમારીનું મૃત્યુ થયું હતું અને આ ફિલ્મ તેની કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સ મનાય છે.
જોકે, આ ફિલ્મ પાકિસ્તાન માટે બની રહી હોવાથી ભારતમાં તે રિલીઝ થવા અંગે અટકળો સેવાય છે. હજુ તાજેતરમાં એક પાકિસ્તાન ફિલ્મ 'ધી લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થવાનું લગભગ નક્કી થઈ ગયું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેની રિલીઝ માંડી વાળવામાં આવી હતી.