કેન્સરમાં માતાને ગુમાવી, પતિ સાથે તલાક... સાઉથના સુપરસ્ટાર જોડે કામ કરશે આ પાકિસ્તાની અભિનેત્રી
Sajal Ali: પાકિસ્તાની એકટર્સની ફરી બોલિવૂડમાં એન્ટ્રીની અફવાઓ જોર પકડી રહી છે. કાર્તિક આયર્નની મૂવી ભૂલ ભૂલૈયા 3માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને પણ કાસ્ટ કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે અંતે ફવાદે જ આ વાતને રદિયો આપ્યો હતો પરંતુ હવે અન્ય એક પાકિસ્તાની એક્ટ્રસ બોલિવૂડ મૂવીમાં હિરોઈન બનશે તેવી ચર્ચા છે. પ્રભાસની આગામી ફિલ્મમાં પાકિસ્તાનની સજલ અલીને કાસ્ટ કરવામાં આવશે. સજલ અલી અગાઉ શ્રીદેવીની ફિલ્મ 'મોમ'મા તેની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી.
ઉરી એટેક બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ, થોડા મહિનાઓ પહેલાં બોમ્બે હાઈકોર્ટે આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધને ફગાવી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાની કલાકારોનો ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનો માર્ગ મોકળો થયો છે.
રિપોર્ટ અનુસાર સાઉથના ડાયરેક્ટર હનુ રાઘવપુડી એક પિરિયડ રોમાન્ટિક ડ્રામા પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં હિરોઈન તરીકે સજલ અલીને ફાઈનલ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હજી આ અંગે કોઈ આધિકારીક જાહેરાત નથી થઈ.
કોણ છે સજલ અલી?
સજલ અલી એક પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી હોવાની સાથે મોડલ પણ છે. પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ આ એકટ્રેસ સામેલ છે. ફિલ્મો ઉપરાંત તેણે ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. એકટ્રેસે વર્ષ 2009માં જિયો ટીવી(GEO TV) ના શો નાદનિયાંથી ડેબ્યૂ કર્યું હતું. એકટ્રેસની પહેલી મુખ્ય ભૂમિકાવાળી સીરિયલ 'મહમુદાબાદ કી માલકીન' હતી પરંતુ કારકિર્દીમાં બદલાવ લાવનાર શો વર્ષ 2013માં આવેલ 'નન્હી' હતો. ત્યારબાદ મોહબ્બત જાયે ભાડ મેં, સીતમગઢ, ખુદા દેખ રહા હૈ જેવા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું હતુ.
બે વર્ષમાં છૂટાછેડા :
એકટ્રેસ સજલ અલીના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. પાકિસ્તાની અને કેનેડિયન એક્ટર અહદ રઝા મીર સાથેના તેના સંબંધોને થોડા સમય માટે છુપાવ્યા પછી 6 જૂન, 2019ના રોજ બંનેએ સગાઈ કરી અને સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.
આ પછી કપલે 14 માર્ચ 2020ના રોજ અબુ ધાબીમાં નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. જોકે તેમનું લગ્નજીવન લાંબો સમય ટકી શક્યુ નહીં. 2022માં સજલ અને અહદે છૂટાછેડા લઈ લીધા હતા.
એકટ્રેસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,પતિથી અલગ થવાનું દુખ અને સાથે માતાને કેન્સરના કારણે ગુમાવવાનુ દુખ સહન કર્યું છે. મારી માતાનું જ્યારે અવસાન થયું ત્યારે મારી આંખો સામે બધું જ ઝાંખું હતું, પરંતુ કોઈક રીતે મેં હિંમત ભેગી કરી હતી અને આગળ વધી છું.
બોલિવૂડમાં કમબેકની તૈયારી ?
ફવાદ ખાન, માહિરા ખાન જેવા કલાકારોની જેમ સજલ અલીએ પણ હિન્દી દર્શકોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2016માં હિન્દી ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ સજલને ફરીથી અહીં કામ કરવાની તક મળી ન હતી. હવે 6 વર્ષ પછી પ્રભાસ સાથે કામ કરવાના સમાચારે ચાહકોના ચહેરા પર સ્મિત રેલાવી દીધું છે.