પાક. સિંગર આતિફ અસ્લમની વર્ષો પછી બોલીવૂડમાં રિ એન્ટ્રી
- એલએસઓ 90 ફિલ્મમાં ગીત ગાશે
- પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ હાઈકોર્ટે ફગાવી દીધા બાદ આતિફને ફરી તક
મુંબઇ : પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની માગણી કરતી અરજી બોમ્બે હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધા બાદ હવે આતિફ અસ્લમનું વર્ષો પછી બોલીવૂડમાં પુનરાગમન થઈ રહ્યું છે. તેને નેવુંના દાયકાની લવ સ્ટોરી આધારિત એક ફિલ્મમાં ગીત ગાવાની તક મળી છે.
આ ફિલ્મને હાલ એલએસઓ૯૦ એવું નામ અપાયું છે. આ ફિલ્મના કલાકારોમાં અધ્યન સુમન તથા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લઈ ચુકેલી દિવિટા રાઈનો સમાવેશ થાય છે. હરેશ સાંગાણી તથા ધર્મેશ સાંગાણી નામના નિર્માતાઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું દિગ્દર્શન અમિત કસારિયા કરશે.
આતિફનાં 'પહેલી નઝર મેં ' તથા 'બાખુદા તુમ્હી હો' જેવાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યાં છે. તેનું 'બદલાપુર' ફિલ્મનું 'દહેલીઝ પે ' ગીત પણ સુપરહિટ થયું હતું.
પુલવામા એટેક પછી પાકિસ્તાન સામે રાષ્ટ્રવ્યાપી આક્રોશ વચ્ચે બોલીવૂડમાં પાક કલાકારોનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં પાકિસ્તાની કલાકારો પર કાયમી પ્રતિબંધ ફરમાવવાની માગણી કરતી એક અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
તે પછી પાક. કલાકારો માટે બોલીવૂડમાં કામ કરવાનો માર્ગ ફરી મોકળો થયો છે.