નયનતારાની અન્નપૂર્ણીનું ઓટીટી પ્રસારણ બંધ
- દેશભરમાં પોલીસ કેસો થતાં નિર્ણય
- શ્રી રામને માંસાહારી દર્શાવતી ફિલ્મ માટે ઝી સ્ટુડિયોએ માફી પણ માગી
મુંબઇ: હિંદુઓની ધાર્મિક લાગણી દુભવવાના વિવાદમાં સંડોવાયેલી નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણી'નું ઓટીટી પરથી પ્રસારણ આખરે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ ફિલ્મ ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડયૂસ કરવામાં આવી છે અને તેનું પ્રસારણ નેટફ્લિક્સ પરથી ગયા મહિને શરુ કરાયું હતું. જોકે, આ ફિલ્મમાં વેજિટેરિયન હિરોઈનને નોન વેજ રાંધવા માટે પ્રોત્સાહિત કરવા ભગવાન શ્રી રામ પણ માંસાહારી જ હતા તેવો દાખલો દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હિરોઈન બિરિયાની બનાવતાં પહેલાં બુરખો પહેરી નમાઝ પઢે છે તેવાં દૃશ્યો છે. ફિલ્મમાં લવ જેહાદને ઉત્તેજન અપાયું હોવાનો પણ આરોપ છે.
મુંબઈ સહિત દેશનાં વિવિધ સ્થળોએ હિંદુવાદી સંગઠનોના કાર્યકરો દ્વારા આ ફિલ્મ સામે પોલીસ ફરિયાદો આપવાનો સિલસિલો શરુ થયો છે. ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયો, એકટ્રેસ નયનતારા ઉપરાંત નેટફલિક્સ પ્લેટફોર્મ સામે પણ ફરિયાદો અપાઈ છે. વિશ્વ હિંદુ પરિષદના સભ્યોએ આ ફિલ્મને પ્રસારિત અટકાવાવ માટે નેટફ્લિક્સના મુખ્યાલયની બહાર દેખાવો પણ કર્યા હતા.
આ પછી ફિલ્મના નિર્માતા, ઝી સ્ટુડિયોઝે એક માફી પત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મને હાલ તત્કાલિક રીતે નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે. ફિલ્મમાં ફરી સંપાદન કર્યા પછી તેને સ્ટ્રીમ કરવામાં આવશે. ઝી સ્ટુડિયોએ જણાવ્યું છે કે તે કોઈની ધાર્મિક લાગણી દૂભાવવા માગતા નથી.