એક કમેન્ટથી મારું જીવન બદલાયું, મને ટોણો માર્યો...' નેશનલ ક્રશ ગણાતી સફળ અભિનેત્રીનો ઘટસ્ફોટ
Tripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડિમરીને આજે કોઈ પરિચયની જરૂર નથી, તે બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીમાંથી એક છે. એક પછી એક સફળ ફિલ્મો આપીને તેણે પોતાની અભિનય ક્ષમતા અને ચાહકોમાં પોતાની સ્વીકૃતિ સાબિત કરી છે. હાલમાં અભિનેત્રી પોતાની ફિલ્મ સફરનો આનંદ માણી રહી છે. લૈલા મજનુ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી તૃપ્તિએ કારકિર્દીના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે કેવી રીતે બોલિવૂડમાં મોટું નામ બનાવવા માટે મક્કમ હતી. આ દરમિયાન નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીએ એક ઘટસ્ફોટ કર્યો છે.
એક કમેન્ટથી મારું જીવન બદલાયું
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં તૃપ્તિ ડિમરીએ જણાવ્યું કે, કેવી રીતે એક કમેન્ટે મારામાં કંઈક કરવાનો જુસ્સો પેદા કર્યો. તેણે કહ્યું કે, 'કોઈએ મને ટોણો માર્યો અને કંઈક ખૂબ જ ખરાબ કહ્યું અને તે દિવસે મેં વિચાર્યું કે હું કંઈક કર્યા વિના શહેર છોડીશ નહીં. જ્યારે કોઈ ઈન્ડસ્ટ્રીમાં નવું હોય છે ત્યારે તે ઘણીવાર સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી નથી શકતું. આ કમેન્ટે મારામાં જુસ્સો પેદા કર્યો, જેના કારણે મેં મુંબઈમાં કંઈક મોટું કરવાનો સંકલ્પ લીધો.'
આ પણ વાંચો: ડાન્સની ટીકા થતાં તૃપ્તિ ડિમરી નારાજ, બધાને બધું ન આવડે
મારી પાસે શ્વાસ લેવાનો, ખાવાનો કે સૂવાનો સમય નથી
આ વાતચીતમાં 30 વર્ષની તૃપ્તિએ ભારપૂર્વક જણાવ્યું કે, 'જે યોગ્ય છે અને એક વ્યક્તિ માટે કામ કરે છે તે અન્ય લોકો માટે જરૂરી નથી. તે દિવસોમાં ઘણી મૂંઝવણ અને અરાજકતા હતી. હજુ પણ ઘણી અંધાધૂંધી છે, પરંતુ હું તત્કાલીન પરિસ્થિતિ કરતા વર્તમાન પરિસ્થિતિને પસંદ કરું છું. હવે મારી પાસે શ્વાસ લેવાનો, ખાવાનો કે સૂવાનો સમય નથી.'
દરેક ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવતી
ફિલ્મ સફર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનું ઉદાહરણ આપતા તૃપ્તિએ કહ્યું કે, 'એક સમયે એવા દિવસો હતા જ્યારે મારી પાસે કોઈ કામ ન હતું. મને દરેક ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવતી, જેના કારણે મને મારી પોતાની પ્રતિભા પર શંકા થઈ. ઘણી વખત એવો સમય આવ્યો કે જ્યારે મારે ન જવું જોઈતું હતું, પરંતુ કોઈક રીતે મેં જઈને રોલ મેળવ્યો.'
તૃપ્તિએ વધુમાં કહ્યું કે, 'એવા પણ દિવસો હતા જ્યારે હું ઘરમાં વોલપેપર લગાવતી હતી કારણ કે મારી પાસે કંઈ કામ ન હતું. હું મારી જાતને કહેતી હતી કે એક સમય એવો આવશે કે જ્યારે મારી પાસે આવું કરવા માટેનો પણ સમય નહીં હોય, હું ખૂબ આભારી છું કે તે દિવસ આવ્યો.'