ઓડિયા અભિનેતા રાયમોહન પરિદાનું નિધન
- તેમણે 40થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે
નવી દિલ્હી, તા. 24 જૂન 2022, શુક્રવાર
ઓડિયા અભિનેતા રાયમોહન પરિદાનું શુક્રવારે નિધન થઈ ગયું છે. ભુવનેશ્વર મંચેશ્વરમાં પ્રાચી વિહારના ઘરે પંખા સાથે લટકતી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અભિનેતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક અભિનેતાએ આ પગલું કેમ ભર્યું તે હજું સ્પષ્ટ નથી થયું. પોલીસને ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ જપ્ત કરીને ઘટનાની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુવનેશ્વર કેપિટલ હોસ્પિટલમાં મોકલાવી દેવામાં આવ્યો છે. અભિનેતા રાયમોહન પરિદાનો જન્મ 1963માં થયો હતો. તેમનું ઘર મયૂરભંજ જિલ્લાના ઉદલામાં છે. કરંજિયા કોલેજમાં તેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ ભૂવનેશ્વર આવી ગયા હતા. તેમણે ઉત્કલ સંગીત મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો અને અહીં નાટક વિભાગમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો.
રાયમોહન પરિદાએ 90 ઓડિયા ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ 15 બંગલા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 40થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે નેગેટિવ કેરેક્ટરમાં પોતાની એક અલગ જ છાપ બનાવી છે. તેમના ઘણા એવા ડાયલોગ છે જેને દર્શકો અલગ-અલગ કાર્યક્રમમાં વારંવાર સાંભળવાનું પસંદ કરે છે. તેમનો એક પ્રસિદ્ધ ડાયલોગ છે એ અનાની. રાયમોહને 1985માં પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. 1987માં સાગર ફિલ્મમાં પહેલા નેગેટિવ અભિનય કર્યો હતો. તેમણે સતમિચ્છ, રામલક્ષ્મણ, આસિબુ કેબે સાજિ મો રાણી, નાગ પંચમી, દે માં શક્તિ દે, જય શ્રીરામ, તૂ થિલે મો ડર કાહાકૂ, રણભૂમિ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
અભિનય માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાયમોહન પરિદાના આ પગલા પર એક્ટર સિદ્ધાંત મહાપાત્રાએ કહ્યું કે, રાયમોહન ઘણો સંઘર્ષ કરીને ખૂબ જ ઉપર પહોંચ્યા હતા. માનસિક રીતે તેઓ ખૂબ જ મજબૂત હતા. તેમણે શા માટે આ પગલું ઉઠાવ્યું તે સમજાતું નથી.