બૈજુ બાવરા માટે હવે નયનતારાનું નામ પણ વહેતું થયું
- અગાઉ કિયારા અડવાણીની ચર્ચા થઈ હતી
- ચોક્કસ સ્ટારકાસ્ટ માટે પ્રોડક્શન હાઉસ તરફથી સત્તાવાર ઘોષણાની જોવાતી રાહ
મુંબઇ : સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'બૈજુ બાવરા' માટે હવે સાઉથની સુપરસ્ટાર નયનતારાનું નામ પણ વહેતું થયું છે.
નયનતારા અને સંજય લીલા ભણશાળીની ટીમ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, નયનતારા કે પછી સંજય લીલા ભણશાળી તરફથી પણ આ અંગે કશું સત્તાવાર રીતે કહેવાયું નથી.
જો આ વાતચીત સફળ થાય તો નયનતારા 'બૈજુ બાવરા' ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળવાની છે.
માહિતગાર સૂત્રભોના જણાવ્યા અનુસાર માર્ચ ૨૦૨૩માં સંજય લીલા ભણશાલી સાથે નયનતારા અને તેના દિગ્દર્શક પતિ વિજ્ઞોશ શિવને સંજય લીલા ભણશાલી સાથે કામ બાબતે ચર્ચા કરી હતી.
હજુ થોડા દિવસો પહેલાં જ એવી વાત વહેતી થઈ હતી કે અભિનેત્રી કિયારા અડવાણીને આ ફિલ્મની ભૂમિકા માટે સાઈન કરી લેવામાં આવી છે. કિયારા સંજય લીલા ભણશાળીની ટીમને મળી હોવાની વાત પણ ચર્ચાઈ હતી.
ફિલ્મનાં કાસ્ટિંગ અંગે ભારે ઉત્સુકતા સેવાય છે. આ માટે હવે પ્રોડક્શન હાઉસ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે.