‘હાઈવે’માં આલિયા નહીં આ મિસ વર્લ્ડ હતી પહેલી પસંદ, ‘રોકસ્ટાર’માં પણ પહેલી પસંદ રણબીર ન હતો
Imtiaz Ali reveals about 'Highway' :ઇમ્તિયાઝ અલી હિન્દી ફિલ્મજગતનું જાણીતું નામ છે. 53 વર્ષીય આ નિર્દેશક, લેખક અને નિર્માતાએ આજ સુધીમાં ‘હાઇવે’, ‘રોકસ્ટાર’, ‘તમાશા’, ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’ જેવી ઘણી યાદગાર અને વ્યાવસાયિક દૃષ્ટિએ સફળ ફિલ્મો આપી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મોની કાસ્ટિંગ વિશે જે જણાવ્યું એ જાણીને ફિલ્મરસિયાઓ આશ્ચર્ય પામી ગયા છે.
શું કહ્યું ઇમ્તિયાઝ અલીએ?
ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે એમની બે ફિલ્મોમાં અદભુત પરફોર્મન્સ આપનાર બે કલાકાર એવા હતા જેમને બદલે એમણે કોઈ બીજા કલાકાર લેવાનું વિચાર્યું હતું. એ બે ફિલ્મો હતી ‘હાઇવે’ અને ‘રોકસ્ટાર’ અને જે બે કલાકાર ડિરેક્ટરની સેકન્ડ ચોઇસ હતા એ છે ‘આલિયા ભટ્ટ’ અને ‘રણબીર કપૂર’.
આ અભિનેત્રી હતી ‘હાઇવે’ની મૂળ પસંદગી
‘હાઇવે’ માટે ઇમ્તિયાઝ અલીની મૂળ પસંદગી આલિયા ભટ્ટને બદલે એશ્વર્યા રાય હતી. મૂળ તો આ રોલ ત્રીસેક વર્ષની પુખ્તવયની મહિલા તરીકેનો લખાયો હતો, જેને માટે ઇમ્તિયાઝને એશ્વર્યા રાય પરફેક્ટ ચોઇસ લાગી હતી. એમને મેકઅપ વગર પણ આકર્ષક લાગે એવી અભિનેત્રીની તલાશ હોવાથી તેઓ ફિલ્મમાં ‘વીરા ત્રિપાઠી’ના રોલમાં એશ્વર્યાને લેવા માંગતા હતા.
આ રીતે થઈ આલિયાની પસંદગી
‘લવ શુભ તે ચિકન ખુરાના’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ઇમ્તિયાઝ અલી અને આલિયા ભટ્ટની મુલાકાત થઈ હતી. વાતચીત દરમિયાન ઇમ્તિયાઝ અલી આલિયાની પર્સનાલિટી અને એના ‘ઇમોશનલ ક્વોશન્ટ’થી પ્રભાવિત થયા, આલિયાના ‘ઘર’ અને ‘સમાજ’ જેવા વિષયો પરના વિચારો પણ ઇમ્તિયાઝને સ્પર્શી ગયા અને એમણે ભાવનાત્મક ઊંડાણ ધરાવતી મેચ્યોર ‘વીરા’નું પાત્ર યુવા વયનું દર્શાવીને એ રોલમાં આલિયાને લેવાનું નક્કી કરી લીધું.
અને આ અભિનેતા હતો ‘રોકસ્ટાર’ની ઓરિજનલ ચોઇસ
ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે એમની બહુચર્ચિત અને સૌથી વધુ વખણાયેલી ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂરે જે ભૂમિકા નિભાવી હતી એના માટે એમની પહેલી પસંદ ‘જ્હોન અબ્રાહમ’ હતો. પ્રેમતરસ્યા સંગીતકાર અને ગાયક ‘જોર્ડન’ના રોલમાં રણબીર કપૂરે અફલાતૂન પરફોર્મન્સ આપ્યું હતું અને ઢગલાબંધ એવોર્ડ્સ પણ જીત્યા હતા.
આલિયાને બદલે એશ્વર્યા અને રણબીરને બદલે જ્હોન હોત તો ‘હાઇવે’ અને ‘રોકસ્ટાર’ જેવી બની એવી બની હોત ખરી? આ મુદ્દે વિવિધ સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સે એવો મત પ્રગટ કર્યો હતો કે ‘હાઇવે’માં આલિયાએ આપ્યો હતો એટલો બળકટ અભિનય એશ્વર્યા ન કરી શકી હોત. અને ‘રોકસ્ટાર’માં તો રણબીરને સ્થાને જ્હોન અબ્રાહમની કલ્પના કરવી શક્ય જ નથી.