રશ્મિકા મંદાના બાદ નોરા ફતેહીનો DeepFake વીડિયો વાયરલ, અભિનેત્રી પણ ચોંકી, પોસ્ટ દ્વારા કરી જાણ
તાજેતરમાં રશ્મિકા મંદાના અને સચિન તેંડુલકરનો પણ ડીપફેક વીડિયો થયો હતો વાયરલ
image : Instagram |
Nora Fatehi DeepFake Video Viral: ગત વર્ષે નવેમ્બરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ અભિનેત્રી આલિયા ભટ્ટ, કાજોલ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સહિત પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી સેલિબ્રિટીએ ડીપફેક વીડિયોનો શિકાર થયાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તાજેતરનો મામલો અભિનેત્રી નોરા ફતેહીનો છે. નોરા ફતેહીનો પણ એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ જાતે જ આ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેની ફરિયાદ કરી લોકોને ઘટનાથી વાકેફ કરાવ્યાં હતા.
અભિનેત્રીએ સ્ક્રીનશોટ શેર કર્યો
અભિનેત્રી નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડીપફેક વીડિયો શેર કરીને તેના ચાહકોને આ વીડિયો વિશે જાણ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખરેખર ડીપફેક છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નોરા એક કંપનીની જાહેરાત કરતી જોવા મળી રહી છે. તે જાહેરાતનો સ્ક્રીનશોટ લીધા પછી અભિનેત્રીએ તેને શેર કર્યો અને તેના પર ડીપફેક પણ લખ્યું હતું.
અસલ અને ડીપફેક વચ્ચેનો તફાવત જાણવો મુશ્કેલ
પોસ્ટ શેર કરતાં નોરા ફતેહીએ લખ્યું કે શૉક્ડ! આ હું નથી. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં અસલી અને નકલી નોરા વચ્ચે ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ ડીપફેક વિડિયોમાં અભિનેત્રીના ચહેરાથી લઈને તેના શરીર અને અવાજ સુધી બધું એક સરખું જ દેખાય છે. વીડિયો જોયા પછી કોઈને પણ નવાઈ લાગશે.