સૈફ અલી ખાન કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નહીં: પોલીસની સ્પષ્ટતા
Saif Ali Khan: શુક્રવારે સવારે, એક અપડેટ બહાર આવી કે મુંબઈ પોલીસે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરી છે. પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી છે કે જે વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો તે સૈફ અલી ખાનના કેસ સાથે સંબંધિત નથી. આ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સૈફના કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નહીં
16 જાન્યુઆરી, 2025ના રોજ સૈફના ઘરે ચોરી થઈ અને તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. શુક્રવારે સવારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈ પોલીસે કથિત હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ શાહિદ છે. પરંતુ ANI અનુસાર, હવે મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવેલ વ્યક્તિનો સૈફ અલી ખાન પરના હુમલા સાથે કોઈ સંબંધ નથી. હાલમાં, આ મામલાના સંબંધમાં કોઈની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: શાહરૂખના ઘરમાં પણ અજાણ્યા શખસનો ઘૂસવાનો પ્રયાસ, નિસરણી મૂકી રેકી પણ કર્યાનો દાવો
નવા ફૂટેજ પણ સામે આવ્યા છે
સૈફ અલી ખાનને તેના બાંદ્રા સ્થિત ઘરમાં ચાકુ મારનાર શકમંદના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં, શંકાસ્પદ વ્યક્તિ પોતાનો ચહેરો ઢાંકીને લગભગ 1:30 વાગ્યે બિલ્ડિંગના ફાયર એક્ઝિટમાં પ્રવેશતો જોઈ શકાય છે. પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં, તે વ્યક્તિ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો જોવા મળે છે, તેના હાથમાં બેગ છે અને તેના ખભા પર ઑરેન્જ કલરનો સ્કાર્ફ છે. વીડિયોમાં તે સીડીઓ ચડતો દેખાઈ રહ્યો છે. આ સમય દરમિયાન તે આસપાસના રૂમ તરફ જોઈ રહ્યો છે.