નિક જોનાસ એરપોર્ટ પર ટિકિટ વગર જ પહોંચી ગયો
- સિક્યોરિટીએ સાઈડમાં ઊભો રાખી દીધો
- થોડા સમય પહેલાં સુઝાન અને અર્સલન પણ પાસપોર્ટ ઘરે ભૂલી ગયાં હતાં
મુંબઇ : પહેલીવાર ભારતમાં કોન્સર્ટ માટે આવેલા પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસની ટીમ તેની ટિકિટ ભૂલી જતાં નિકે એરપોર્ટના એન્ટ્રી ગેટ પર એક બાજુ સાઈડમાં ઊભા રહી રાહ જોવી પડી હતી.
નિક તેના ભાઈઓ કેવિન અને જો જોના સાથે મુંબઈમાં કોન્સર્ટ માટે આવ્યો હતો. ગત શનિવારે રાતે તેમનાં આ કોન્સર્ટમાં ભારે ધૂમ મચી હતી. આ વખતે ઓડિયન્સે નિક માટે જીજુ..જીજુ..ના પોકારો પણ કર્યા હતા.
કોન્સર્ટ બાદ ત્રણેય ભાઈ પરત જવા માટે મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. પરંતુ ટર્મિનલમા ંપ્રવેશ પહેલાં ચેકિંગ વખતે જ ખ્યાલ આવ્યો હતો કે નિકની ટીમ તેની ટિકિટ ભૂલી ગઈ છે.
ફરજ પરના જવાને નિકને ટિકિટ વગર એન્ટ્રી આપવા ઈનકાર કર્યો હતો અને તેની ટિકિટ ડિજિટલી એક્સેસ થાય ત્યાં સુધી નિકે એન્ટ્રી પોઈન્ટની સાઈડમાં એક તરફ ઊભા રહેવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં સુઝાન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલન ગોની સાથે થર્ટી ફર્સ્ટની રજાઓ મનાવવા વિદેશ જવા નીકળી હતી ત્યારે અર્સલન પોતાનો પાસપોર્ટ ભૂલી ગયો હતો. બંને એરપોર્ટમાં એન્ટ્રી કરી રહ્યાં હતાં ત્યારે ચેકિંગ વખતે આ ખ્યાલ આવ્યો હતો. તે પછી બંનેએ ફલાઈટ પડતી મુકી વીલાં મોઢે પરત ઘરે જવું પડયું હતું.