Get The App

...અને પાંચ જ મિનિટમાં કમાન્ડોએ પ્લેન હાઇજેકરને ઠાર કરી દીધો, ભારતના ઈતિહાસનું ઝળહળતું પ્રકરણ ‘ઓપરેશન અશ્વમેઘ’

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
...અને પાંચ જ મિનિટમાં કમાન્ડોએ પ્લેન હાઇજેકરને ઠાર કરી દીધો, ભારતના ઈતિહાસનું ઝળહળતું પ્રકરણ ‘ઓપરેશન અશ્વમેઘ’ 1 - image


Netflix Webseries ‘IC 814: The Kandahar Hijack’ : નેટફ્લિક્સની વેબસીરિઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ના કારણે 1999માં બનેલી વિમાન અપહરણની એ ઘટના ચર્ચામાં છે ત્યારે એના જેવી જ પ્લેન હાઇજેકની ઘટના 1993માં બની ગઈ હતી. જોકે, NSGની જડબેસલાક કામગીરીને કારણે એ ઘટનામાં ભારતે 1999ના જેવી ભારી કિંમત ચૂકવવી નહોતી પડી. ચાલો જાણીએ એ રોમાંચક અપહરણ-કાંડની સિલસિલાબંધ વિગતો...

આ રીતે થઈ હતી શરૂઆત…

24 એપ્રિલ, 1993 ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ IC 427 બપોરે 13:57 વાગ્યે ઉપડી હતી. બોઇંગ વિમાનમાં 6 ક્રૂ સભ્યો અને 135 મુસાફર એમ કુલ 141 જણ હતા. થોડી જ મિનિટોમાં એક મુસાફરે પોત પ્રકાશ્યું અને પ્લેનને હાઇજેક કરી લીધું. 

આવું જૂઠાણું બોલીને ઘૂસ્યો પ્લેનમાં

એચ.એમ. રિઝવી એવા ખોટા નામે મુસાફરી કરી રહેલા દાઢીવાળા, યુવાન આતંકવાદીએ બંને પગે પાટાપિંડી કરેલી હતી અને એની અંદર બે પિસ્તોલ છુપાવેલી હતી. પ્લેનમાં બેસતા પહેલાં એણે એવું જૂઠાણું ચલાવ્યું હતું કે તેને જયપુરમાં ગંભીર અકસ્માત થયો હતો તેથી તેના બંને પગે સ્ટીલના સળિયાવાળું પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. 

હાઇજેકરની અસલી ઓળખ

આતંકવાદીનું અસલી નામ મોહમ્મદ યુસુફ હતું અને એ આતંકવાદી સંગઠન હિઝબુલ-મુજાહિદ્દીનનો સભ્ય હતો. પ્લેન ઉપડ્યું એના અડધા કલાક પછી એણે પોતાના નકલી પ્લાસ્ટર ખોલી નાંખ્યાં અને એની અંદરથી બે 9mm પિસ્તોલ કાઢીને ઊભો થઈ ગયો અને પછી જાહેરાત કરી કે, ‘હું જનરલ હસન છું. હિઝબુલ-મુજાહિદ્દીનના સર્વોચ્ચ કમાન્ડર સૈયદ સલાહુદ્દીનના નિર્દેશો હેઠળ એક વિશેષ મિશન માટે હું આ પ્લેનને હાઇજેક કરું છું.’ તેણે એવો પણ દાવો કર્યો કે એની પાસે હેન્ડ ગ્રેનેડ પણ છે જેના વડે એ આખા પ્લેનને ફૂંકી શકે છે. એકલે હાથે પ્લેન હાઇજેક કરવામાં સફળ થયો હોવાથી એ ફૂલ ફોર્મમાં હતો. 

આ પણ વાંચો : 'એક તમિલ ફિલ્મ ડિરેક્ટરે મને સેક્સ સ્લેવ બનાવી દીધી...' જાણીતી અભિનેત્રીનો ગંભીર આક્ષેપ

કરી આવી માંગ

હાઇજેકરે પાઇલટને વિમાન કાબુલ તરફ લેવા કહ્યું, પણ દિલ્હીથી શ્રીનગર સુધી ફક્ત બે કલાકની ઉડાન માટે ઉપડેલા વિમાનમાં કાબુલ સુધી પહોંચવા જેટલું ઈંધણ નહોતું. તેથી હાઇજેકરે રિફ્યુલિંગ માટે લાહોર પર પસંદગી ઉતારી. પણ, લાહોરમાં વિમાન ઉતારવાની પરવાનગી જ ન આપવામાં આવી. 

અમૃતસરમાં ઉતરાણ

છેવટે વિમાનને અમૃતસર ઉતારવું પડ્યું. બપોરે 3.20 વાગે અમૃતસરમાં ઉતર્યા પછી હાઇજેકરે કાબુલ જવાની માંગ ચાલુ રાખી. અમૃતસર પોલીસના DC (ડેપ્યુટી કમિશનર) અને SP (પોલીસ અધિક્ષક)એ આતંકવાદી સાથે વાટાઘાટો હાથ ધરી. ઈરાદો હતો એના સમયનો વ્યય કરવાનો. 

ગુસ્સામાં કર્યો ગોળીબાર

લાંબી વાટાઘાટોથી કંટાળીને છેવટે હાઇજેકરે ચેતવણી આપવા માટે પ્લેનમાં ગોળીબાર કર્યો. ભલીવાર થયો કે ગોળી કોઈને વાગી નહીં. વિમાનને કાબુલ લઈ જવા બાબતે એ અડી ગયો હતો. 

આ પણ વાંચો : એક સમયે કાજોલ, ઐશ્વર્યા, કરીશ્મા, જુહી કરતાં પણ વખણાતી અભિનેત્રીની કારકિર્દી એકઝાટકે પતી ગઇ

ભારતની ચાલાકી

એ બધું બન્યું એ દરમિયાન દિલ્હીનું CMG (ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ) એક્શનમાં આવ્યું. એ વખતે વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં ગુલામ નબી આઝાદ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. CMGએ NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ - રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ)ના ચુનંદા એન્ટિ-હાઇજેકિંગ કમાન્ડોને તાબડતોબ અમૃતસર મોકલ્યા. જર્મનીમાં ટ્રેનિંગ લેનાર NSG કમાન્ડોનું એ પહેલું જ ઓપરેશન હતું. એને નામ આપવામાં આવ્યું ‘ઓપરેશન અશ્વમેધ’.

ઓપરેશન અશ્વમેઘ 

આતંકવાદીને અંધારું થાય ત્યાં સુધી વાતોમાં ઉલઝાવી રખાયો. મધ્યરાત્રિ બાદ, 1.05 વાગ્યે વિમાનના પાછળના ભાગ તરફથી NSG ત્રાટક્યા. પ્લેનની એર હોસ્ટેસોએ આતંકવાદીની નજર ચૂકાવીને વિમાનના તમામ છ દરવાજાના વ્હીલ લોક ખોલી દીધા હતા, જેના લીધે કમાન્ડો સરળતાથી વિમાનમાં ઘૂસી શક્યા. 

પહેલાં ગોળી, પછી સવાલ

આતંકવાદી કોકપિટમાં હોવાથી કમાન્ડો સીધા ત્યાં ધસી ગયા. તેમને જોઈને આતંકવાદી સ્તબ્ધ થઈ ગયો. એણે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એની પિસ્તોલ ચાલે એ પહેલાં કમાન્ડોના હથિયાર ગર્જ્યા અને આતંકવાદી ઢળી પડ્યો. તેમને તાલીમ જ એવી આપવામાં આવી હતી કે આતંકદાવીને સવાલ પછી પૂછવાનો, પહેલાં ગોળી મારવાની. 

આ પણ વાંચો : 'મારી પત્નીએ નોકરાણી જેવું કામ કર્યું, મેં 3-3 નોકરી કરી...' જાણીતા અભિનેતાનું જાહેરમાં દર્દ છલકાયું

બનાવ્યો વિશ્વ રેકોર્ડ

ભારતના જાંબાઝ કમાન્ડોએ પ્લેનમાં સવાર તમામ 141 લોકોને બચાવી લીધા હતા. ‘ઓપરેશન અશ્વમેધ’ પાર પાડવામાં એમને ફક્ત પાંચ મિનિટ લાગી હતી, જેથી એને ‘સૌથી ઝડપી કમાન્ડો ઓપરેશન’ તરીકે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન આપવામાં આવ્યું હતું. આ રેકોર્ડ આજે પણ અતૂટ છે. 

ઈતિહાસ દોહરાવવામાં ચૂકી જવાયું

દેશના એવિએશન ઈતિહાસમાં ‘ઓપરેશન અશ્વમેધ’ આજની તારીખે પણ એક ઝળહળતું પ્રકરણ ગણાય છે. NSGનું પહેલું જ એન્ટિ-હાઇજેકિંગ ઓપરેશન હોવા છતાં 1993ના એ ઓપરેશનમાં જે પ્રકારની સફળતા મળી હતી એ જો 1999માં બનેલ IC 814 ના સાત દિવસ લાંબા કંદહાર હાઇજેક કિસ્સામાં પણ દોહરાવી શકાઈ હોત તો આતંકવાદીઓ સામે ભારતનું નીચાજોણું ન થયું હોત.


Google NewsGoogle News