નયનતારાના મેરેજની ડોક્યુમેન્ટરી ઓટીટી પર રિલીઝ થશે
- શાહરુખ, રજનીકાંત સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતો
- અગાઉ વિકી કૌશલ અને કેટરિનાના લગ્નના રાઈટ્સ પણ ઓટીટીને વેચાયાની ચર્ચા હતી
મુંબઇ : સાઉથની સુપરસ્ટાર નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશ સિવાનનાં લગ્નનો વીડિયો એક ડોક્યુમેન્ટરી સ્વરુપે એક ઓટીટી ફિલ્મ પર પ્રદર્શિત થશે.
નયનતા રા અને વિગ્નેશ સિવાને ગત નવમી જુને મહાબલિપુરમમાં લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નમાં શાહરુખ ખાન, રજનીકાંત, સુરિયા સહિતની હસ્તીઓ હાજર રહી હતી. આથી, આ ડોક્યુમેન્ટરીની સ્ટાર વેલ્યૂ કોઈ ફિલ્મ કરતાં પણ ક્યાંય ઊંચી આંકવામાં આવી છે.
નયનતારા અને વિગ્નેશે તેમની મેરેજ સેરિમની સ્ક્રીન પર દેખાડવાના રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મને વેચ્યા હોવાની ચર્ચા અગાઉ હતી જ પરંતુ લગ્ન પછી તરત જ બંનેએ કેટલાય ફોટા સોશિયલ મીડિયા પર શરે કરી દેતાં હવે ઓટીટી સાથેનો કરાર યથાવત છે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ હતી.
જોકે, હવે ઓટીટી પ્લેટફોર્મે ખુદ આ મેરેજનું ટીઝર રજૂ કરતાં એ નક્કી થયું છે કે બંનેની મેરેજ ડોક્યુમેન્ટરી આવી રહી છે.
બોલીવૂડમાં અગાઉ વિકી કૌશલ અને કેટરિટના કૈફે પણ પોતાની મેરેજની કેટલીક સિકવન્સ બતાવવા માટે એક ઓટીટી પ્લેટફોર્મ સાથે સોદો કર્યાનું ચર્ચાયું હતું. જોકે, લગ્ન પછી તરત જ બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી અને થોડા દિવસોમાં તો લગ્નની તમામ વિધિઓની તસવીરો પોસ્ટ કરવામાં આવતાં ઓટીટીવાળી ડીલ અમલી નહીં બની હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ પહેલાં પ્રિયંકા ચોપરાએ પોતાના લગ્નના ફોટા એક મેગેઝિનને બહુ ઊંચી કિંમતે વેચ્યાનું ચર્ચાયું હતું.