સૈફ અલી ખાનના પરિવારની 15000 કરોડની સંપત્તિ પર કબજો કરી શકે છે સરકાર, કોર્ટે સ્ટે હટાવ્યો
Saif Ali Khan Family's Enemy Property: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના પરિવારની ભોપાલમાં જ સ્થિત રૂ. 15000 કરોડની સંપત્તિ પર સરકાર કબજો કરી શકે છે. હાઈકોર્ટે આ વારસાગત ઐતિહાસિક સંપત્તિ પર 2015થી લાગૂ સ્ટે દૂર કરવાનો નિર્ણય લેતાં સરકાર ટૂંકસમયમાં નવાબ પટૌડી પરિવારની સંપત્તિ પર કબજો મેળવશે.
ભોપાલના નવાબની મોટી દિકરી આબિદા પાકિસ્તાન સ્થાયી થઈ જતાં નવાબ પરિવારના વંશજ, સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોર આ સંપત્તિ પર દાવો કરી રહ્યા છે. સરકાર હવે આ સંપત્તિનો સર્વે કરાવી કાયદાકીય કાર્યવાહી હેઠળ તેના પર કબજો મેળવશે. 2015માં સરકારે આ સંપત્તિને સરકારી સંપત્તિ જાહેર કરી હતી.
15000 કરોડની સંપત્તિ છે ભોપાલમાં
ભોપાલના નવાબ મનસૂર અલી ખાન પટૌડી અને તેમના પરિવારની ભોપાલમાં રૂ. 15000 કરોડની સંપત્તિ છે. જેમાંથી ઘણી સંપત્તિ વેચાઈ ગઈ છે. આ સંપત્તિ કોહેફિજાથી ચિકલોદ સુધી વિસ્તરેલી છે. પટૌડી પરિવારની આશરે 100 એકર જમીન પર દોઢ લાખથી વધુ લોકો રહે છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ સંપત્તિ પર 2015માં સ્ટે લાગુ કર્યો હતો. આ કેસ શત્રુ સંપત્તિ અધિનિયમ સાથે જોડાયેલો છે. જસ્ટિસ વિવેક અગ્રવાલે નવાબ પરિવારને 30 દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો સમય આપ્યો હતો. સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પરિવાર કોઈ દાવો રજૂ કરી શકી નથી.
નવાબ પરિવાર ડિવિઝન બેન્ચના દરવાજા ખટખટાવશે
સૈફ અલી ખાન અને તેમનો પરિવાર હાઈકોર્ટના આદેશને પડકારતાં ડિવિઝન બેન્ચના દરવાજા ખટખટાવી શકે છે. ભોપાલના કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા 72 વર્ષમાં શત્રુ સંપત્તિઓમાં જે લોકોના નામ સામેલ છે. તેની તપાસ હાથ ધરાશે. સંપત્તિ પર સર્વે કરવામાં આવશે.
શું છે શત્રુ સંપત્તિ અધિનિયમ
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ ભારતે 1968માં શત્રુ સંપત્તિ અધિનિયમ ઘડ્યો હતો. આ અધિનિયમ અંતર્ગત, ભારત-પાકિસ્તાન ભાગલા બાદ તેમજ 1962,1965 અને 1971માં થયેલા યુદ્ધમાં જે લોકો દેશ છોડી પાકિસ્તાન પલાયન કરી ગયા હતા, તેઓની ભારતમાં સ્થિત સંપત્તિ પર કેન્દ્ર સરકાર કબજો મેળવે છે. નવાબ પરિવારની એક દિકરી આબિદા પણ પાકિસ્તાન જતાં તેમની ભોપાલમાં સ્થિત સંપત્તિ પર સરકાર કબજો મેળવવા માગે છે.
પટૌડી પરિવારની સંપત્તિ
સૈફ અલી ખાન પટૌડીના પરિવારની સંપત્તિમાં હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત પટૌડી પેલેસ, ભોપાલના નૂર-ઉસ-સબાહ પેલેસ, ફ્લેગ સ્ટાફ હાઉસ, દાર-ઉસ-સલામ, બંગલા ઓફ હબીબી, કોટેજ 9, ફોર ક્વાર્ટર્સ, મોટર્સ ગેરાજ, વર્કશોપ, ન્યૂ કોલોની ક્વાર્ટર્સ, બંગલા નંબર વન ન્યૂ કોલોની, ડેરી ફર્મ ક્વાર્ટર્સ, ફારસ ખાના, ફોરેસ્ટ સ્ટોર, પોલીસ ગાર્ડ રૂમ, ગવર્મેન્ટ ડિસ્પેન્સરી, ગવર્મેન્ટ સ્કૂલ, કોહેફિજા પ્રોપર્ટી અને અહમદાબાદ પેલેસ સહિત ઐતિહાસિક ઈમારતો અને જમીનો સામેલ છે.
24 સંપત્તિઓનો ઉલ્લેખ
2013માં જિલ્લા પ્રશાસને શત્રુ સંપત્તિઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમમાં 24 સંપત્તિઓનો ઉલ્લેખ હતો. 2015માં તે ઘટી 16 થઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, ભોપાલમાં માત્ર 'નાનીની હવેલી' જ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ હતી. જ્યારે 'મેપલ હાઉસ'ના માલિકની જાણ થઈ શકી નથી. છેલ્લા 70 દાયકામાં રેકોર્ડ મુજબ 24 સંપત્તિઓ શત્રુ સંપત્તિ તરીકે મળી આવી હતી. પરંતુ તેમાંથી મોટાભાગની સંપત્તિ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ ન હતી.