'નાટુ નાટુ' ગ્લોબલ મંચ પર ગાજ્યું, ભારતને મળ્યો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
- રાજામૌલીની આરઆરઆર હવે ઓસ્કર માટે મજબૂત દાવેદાર
- ભારતીય ફિલ્મ સંગીત માટે નવું શિખરઃ વડાપ્રધાન સહિતના મહાનુભવોએ અભિનંદનોનો વરસાદ વરસાવ્યોઃ એમ.એમ. કિરવાનીએ એવોર્ડ સ્વીકાર્યો
મુંબઇ : એસ.એસ. રાજામૌલીની ફિલમ 'આરઆરઆર'ને 'નાટુ નાટુ' ગીત માટે ભારતનો પહેલો ઓરિજિનલ સોંગ કેટેગલ્નો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. આ સિદ્ધિ સાથે ભારતીય ફિલ્મ સંગીતે એક નવું શિખર હાંસલ કર્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ઓસ્કર પછી બીજા ક્રમના એવોર્ડઝ ગણાતા હોવાથી હવે ઓસ્કરની રેસમાં આરઆરઆર બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી ચુકી છે. આ સિદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય ફિલ્મ જગત તથા અન્ય ક્ષેત્રની હસ્તીઓએ આરઆરઆરની ટીમ પર અભિનંદનોનો વરસાદ વરસાવ્યો હતો.
કોમરામ ભીમ તથા અલુરી સીતારામ રાજુનાં પાત્રો પરથી ભારતના સ્વતંત્રતા સંગ્રામના અરસામાં બનેલી ઘટનાઓની વાર્તા કહેતી આરઆરઆર સમગ્ર વિશ્વમાં ૧૨૦૦ કરોડ ઉપરાંતનો બિઝનેસ કરી ચુકી છે. આ ફિલ્મ વિદેશમાં પણ વખણાઈ છે અને અનેક હોલીવૂડ સેલિબ્રિટીઓ તેની પર ઓવારી ગઈ છે. હવે આ ફિલ્મને બહુ પ્રતિક્ષિત વૈશ્વિક સન્માનો પણ મળી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ રુપે ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝમાં બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં તેને ઈનામ જાહેર કરાયું હતું.
આ એવોર્ડમાં આરઆરઆર બેસ્ટ ઓરિજિનલ ફોરેન ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટ થઈ હતી જોકે આ એવોર્ડ આર્જેન્ટિના ૧૯૮૫ને ફાળે ગયો હતો. જ્યારે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ સ્ટીવન સ્પીલબર્ગની ધી ફેબલમેન્સને મળ્યો હતો.
લોસ એન્જલિસમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં સંગીતકાર એમ. એમ. કિરવાની ( એમ. એમ. ક્રિમ) એ આ એવોર્ડ સ્વીકાયો હતો. તેમણે ફિલ્મની સમગ્ર ટીમ તથા ચાહકોનો આભાર માન્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલી ઉપરાંત મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર તથા રામચરણ પણ આ સમયે ઉપસ્થિત હતા. રાજામૌલીએ કહ્યું હતું કે પોતે આ સિદ્ધિથી અવાક બની ગયા છે. સંગીતને કોઈ સરહદો નડતી નથી તે સાબિત થયું છે.
આ એવોર્ડ પ્રાપ્ત થયાના સમાચાર સાથે જ સમગ્ર ભારતીય મનોરંજન જગત ખુશીથી ઉછળી પડયો હતો. બોલીવૂડ તથા સાઉથના તમામ મોટા કલાકારોએ આ સિદ્ધિને બિરદાવી હતી અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. અગાઉ, 'જય હો' ગીત માટે ઓસ્કર મેળવી ચુકેલા સંગીતકાર એ. આર. રહેમાને કહ્યું હતું કે આ ભારતીય ફિલ્મ સંગીત માટે યુગ કરવટ લઈ રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રત્યેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે.
રિહાના, ટેઈલર સ્વિફટ તથા લેડી ગાગા પણ આ વખતે એવોર્ડ મેળવવાની હોડમાં હતા તે તમામને પછાડીને નાટુ નાટુએ આ સન્માન મેળવ્યું છે. એમ.એમ. કિરવાણીએ તેનું સંગીત આપ્યું છે. જ્યારે કલાભૈરવ તથા રાહુલ સિપલીગંજે તેને કંઠ આપ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફીપ્રેમરક્ષિતે કરી છે જ્યારે તેના શબ્દો ચન્દ્રબોઝે લખ્યા છે.
ભારતમાંથી અગાઉ યુકે પ્રોડક્શનની ગાંધી ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવી ચુકી છે. આ ઉપરાંત દો આંખે બારહ હાથ, અપૂર સંસાર, મોન્સૂન વેડિંગ તથા સલામ બોમ્બે નોમિનેટ થઈ ચુકી છે.
કોદુરી મરાકથમણી કિરવાનીએ અત્યાર સુધીમાં આશરે 150 ફિલ્મોમાં સંગીત આપ્યું છે
ભારતને ઓરિજિનલ સોંગનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ લાવી આપનારા કોદુરી મરાકથમણી કિરવાનીએ અત્યાર સુધીમાં આશરે ૧૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. બાહુબલીના બંને ભાગમાં પણ તેમનું સંગીત હતું. મહેશ ભટ્ટની ફિલ્મ 'ક્રિમિનલ'નું તુમ મિલે દિલ ખિલે તેમનું પહેલું હિંદી ગીત હતું. ગલી મેં આજ ચાંદ નીકલા, મૈને દિલ સે કહા ઢુંઢ લાના ખુશી, ધીરે જલના વગેરે તેમનાં જાણીતાં હિંદી ગીતો છે.