VIDEO : નાના પાટેકરે માફી માંગી, સેલ્ફી લેવા આવેલા છોકરાને ટપલી મારતો વીડિયો વાયરલ થયા બાદ કરી સ્પષ્ટતા
નાના પાટેકરે પોતે એક વ્યક્તિએ પર હાથ ઉઠાવ્યો હોવાની વીડિયો વાયરલ થયા બાદ માફી માગી
ઘણા અંગે અભિનેતા નાના પાટેકરની સ્પષ્ટતા કહ્યું, ‘ઘણા લોકોએ વીડિયો ક્લિપને ખોટી સમજી’
નવી દિલ્હી, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર
અભિનેતા નાના પાટેકરે વારાણસીમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન એક યુવક પર હાથ ઉઠાવ્યા બાદ ભારે વિવાદ થયો છે, ત્યારે આ ઘટનાને લઈ પાટેકરે આજે માફી માંગી છે અને કહ્યું કે, તેમણે તે વ્યક્તિને ફિલ્મનો સભ્ય સમજી લેતા આમ કર્યું હતું.
પાટેકરે એક વ્યક્તિ પર હાથ ઉઠાવ્યો હોવાનો વીડિયો વાયરલ
દરમિયાન નાના પાટકરે સેલ્ફી લેવા આવેલા છોકરાને ટપલી મારી હોવાનો તેમજ તેમની બાજુમાં ઉભેલા વ્યક્તિએ છોકરાને ત્યાંથી ધક્કો મારી ધકેલી દીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક છોકરો નાના પાટેકર પાસે સેલ્ફી લેવા આવે છે, આ દરમિયાન પાટેકર તુરંત તે વ્યક્તિને ગુસ્સામાં માથામાં ટપલી મારતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ પાટેકર પાસે ઉભેલો વ્યક્તિ પણ છોકરાને ગળામાંથી પકડી દૂર લઈ જાય છે. હાલ વારાણસીમાં ફિલ્મ નિર્માતા અનિલ શર્માની ફિલ્મ ‘જર્ની’ની શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં નાના પાટેકર પણ છે.
પાટેકરે ઘટના અંગે સ્પષ્ટતા કરી
ફિલ્મ વેક્સીન વૉરના અભિનેતા નાના પાટેકરે સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે માફી માગતા કહ્યું કે, ઘણા લોકોએ આ 10 સેકન્ડની વીડિયો ક્લિપને ખોટી સમજી લીધી છે. તેમણે કહ્યું કે, આ જે ઘટના બની તે મારી આગામી ફિલ્મ ‘જર્ની’ના એક સીનના રિહર્સલ દરમિયાન થયેલી ગેરસમજને કારણે થયું છે. પાટેકરે કહ્યું કે, હું એક સિનની શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં ફિલ્મ સાથે જોડાયેલ એક સભ્યને મારવાનો સીન હતો.
રિહર્સલનો સીન હોવાનું સમજી મારો હાથ ઉપડી ગયો : પાટેકર
તેમણે કહ્યું કે, સિનમાં એક વ્યક્તિએ મને પૂછવાનું હતું કે, શું હું પોતાની ટોપી વેચવા માંગું છું અને મારે તેના માથાની પાછળ મારવાનું હતું અને તેને દુર્વ્યવહાર ન કરવા કહેવાનું હતું. અમે રિહર્સલ કરવા તૈયાર હતા. આ દરમિયાન વીડિયોમાં દેખાતો છોકરો ત્યાં આવ્યો અને તે કોણ છે તે હું જાણતો નહતો, મને લાગ્યું કે તે ફિલ્મનો સભ્ય છે, તેથી મે સ્ક્રિનપ્લે મુજબ તેને માર્યું અને કહ્યું કે, ખોટો વ્યવહાર ન કરે... આ દરમિયાન મને થયું કે, તે વ્યક્તિ ફિલ્મનો સભ્ય નથી. આ દરમિયાન મેં તેને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ તે ભાગી ગયો...
જો કોઈ ગેરસમજ થઈ હોય તો મને માફ કરી દો : પાટેકર
પાટેકરે કહ્યું કે, મેં ક્યારેય કોઈને સેલ્ફી લેવાનો ઈન્કાર કર્યો નથી. મેં પ્રશંસકો સાથે હજારો તસવીરો ખેંચાવી છે. આ ઘટના ભુલથી થઈ ગઈ છે... તે છોકરો ક્યાંથી આવ્યો તે મને ખબર નથી. જો કોઈ ગેરસમજ થઈ હોય તો મને માફ કરી દો....