'ખોટી માહિતીથી મારું ચરિત્ર હનન કરાઈ રહ્યું છે', તેલંગાણાના CM અને અકબરુદ્દીન ઓવૈસી પર અલ્લૂ અર્જુનનો પલટવાર
Actor Allu Arjun holds a Press Conference: એક્ટર અલ્લૂ અર્જુને શનિવારે સાંજે જુબલી હિલ્સ સ્થિત પોતાના આવાસ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે નામ લીધા વગર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને AIMIM ધારાસભ્ય ઓવૈસી દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપ્યો. સૌથી પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં મોડાં આવવા માટે માફી માગી. ત્યારબાદ કહ્યું કે, તેમણે ખુદને સંભાળવામાં સમય લાગ્યો. સંધ્યા થિયટરમાં ભાગદોડને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા એક્ટરે પીડિત પરિવારને સંબોધિત કર્યા અને પોતાની સંવેદના વ્યક્ત કરી.
આ પણ વાંચો: શું શાહરુખ ખાને ખરેખર લાફો માર્યો હતો? યો યો હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
ખોટી માહિતીઓ અને ખોટા આરોપ લાગ્યા છે
તેમણે કહ્યું કે, 'મને દર કલાકે બાળકો અંગેની અપડેટ મળી રહી છે. તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. સારી વાત એટલી છે કે બાળકો સાજા થઈ રહ્યા છે.' ત્યારબાદ તેમણે કહ્યું કે, 'પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે ઘણી બધી ગેરસમજણો, ખોટી માહિતીઓ અને ખોટા આરોપ લાગ્યા છે. હું ચરિત્ર હનનથી ખુબ અપમાનિત અનુભવી રહ્યો છું. આ તે સમય છે જ્યારે મારે જશ્ન મનાવવો જોઈએ, ખુશ થવું જોઈએ, પરંતુ છેલ્લા 15 દિવસોમાં હું ક્યાંય નથી જઈ શક્યો. કાયદાકીય રીતે હું બંધાયેલો છું, હું નથી જઈ શકતો.'
'મેં આ ફિલ્મને પૂરા દિલથી કરી છે'
તેમણે કહ્યું કે, 'મેં આ ફિલ્મને પૂરા દિલથી કરી છે. મેં ફિલ્મમાં જે મહેનત કરી છે, હું તેને સ્ક્રીન પર જઈને બરોબર રીતે જોઈ નથી શક્યો. મેં પોતાની ફિલ્મને થિયેટરમાં પણ નથી જોઈ. આ મારા માટે સૌથી મોટું શિક્ષા મંચ છે. આ મારી સૌથી મોટી શિક્ષા છે કે મેં ફિલ્મ કેવી રીતે કરી, આ મારા માટે શીખવાનો એક રસ્તો છે કે હું વધુ સારું પ્રદર્શન કઈ રીતે કરી શકું છું. મારા માટે પોતાની ફિલ્મોને થિયેટરમાં જોવી મહત્ત્વપૂર્ણ છે, જેથી હું તેનાથી શીખી શકું. હું સ્ક્રીન પર સિનેમાં જોઈને શીખું છું.'
'આ દુર્ઘટનામાં મારી કોઈ પ્રત્યક્ષ સંડોવણી નથી'
એક્ટરે કહ્યું કે, 'હું ફિલ્મોથી શીખું છું, પરંતુ છેલ્લા 10-15 દિવસથી હું મારા ઘરમાં બેસીને વિચારી રહ્યો છું, કે શું થયું હતું, મને લાગે છે કે આ દુર્ઘટનામાં મારી કોઈ પ્રત્યક્ષ સંડોવણી નથી. હા, આ તે પરિસરમાં થયું હતું, પરંતુ જે કંઈ થયું તેના માટે હું ખુબ દુઃખ વ્યક્ત કરું છું. જ્યારે હું અહીં બેઠો છું અને પછી તમે આ ટિપ્પણી કરો છો, કે મેં આવું કહ્યું... તેવું કહ્યું... અને મને આ વાતની ફિકર નથી કે શું થયું, તો શું તમને એવું બોલીને રાષ્ટ્રીય મીડિયાની સામે અને જનતાની સામે મારું ચરિત્ર હનનને પ્રોત્સાહન નથી આપ્યું?'
તેમણે કહ્યું કે, મેં છેલ્લા ત્રણ વર્ષમાં એટલી મહેનત કરી કે, મેં મારા ઓડિયો ફંક્શન દરમિયાન પણ મારા ફેન્સને કહ્યું હતું કે, તેઓ મારી ફિલ્મ જોવા જાય, શું મારે એવું ન કહેવું જોઈએ? મેં દુનિયાભરમાં તેલુગુનું ગૌરવ વધારવાની આશાએ ફિલ્મ બનાવી છે. જ્યારે હું એટલા સ્પષ્ટ ઇરાદાઓથી કોઈ ફિલ્મ બતાવું છું, અને તમે આવો છો, અને કહો છો કે મેં આવું કર્યું...તેવું કર્યું..., તો મને કેટલું દુઃખ થશે. વ્યક્તિગત રીતે મારો આ મતલબ કોઈનાથી નથી. હું સૌનું સન્માન કરું છું. આ કોઈ રીતે વ્યક્તિગત હુમલો કે કંઈ બીજું નથી. હું એ કહી રહ્યો છું કે હું એવો નથી અને તેમને આ સમજવું જોઈએ.
તેલંગાણાના CM અને અકબરૂદ્દીન ઓવૈસીએ શું લગાવ્યા હતા આરોપ?
તેલંગાણાના હૈદરાબાદ શહેરના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગનો મુદ્દો હવે તેલંગાણા વિધાનસભામાં ઉઠ્યો હતો. તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, 'જ્યારે અલ્લુ અર્જુનને નાસભાગ અને મહિલાના મોતની જાણ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, હવે ફિલ્મ હિટ થશે'. વળી, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ કહ્યું કે, 'હીરો (અલ્લુ અર્જુન) બેદરકાર હતો અને મોતની સૂચના આપ્યા બાદ પણ તે થિયેટરમાંથી બહાર ગયો ન હતો. પીડિત પરિવાર દર મહિને 30000 રૂપિયા કમાય છે, પરંતુ ટિકિટ દીઠ 3000 ખર્ચે છે, કારણ કે દીકરો અલ્લુ અર્જુનનો ચાહક છે.'
પીડિતાના પરિવારના ઘરે કોઈ ના ગયું
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, 'ફિલ્મ સેલિબ્રિટીઓ એક દિવસ માટે પોલીસ સ્ટેશન ગયેલા અલ્લુ અર્જુનના ઘરે સતત મળવા કેમ આવવા લાગ્યા? તેમને શું થયું? તેની આંખ ગઈ, તેનો હાથ અથવા પગ તૂટી ગયો કે કિડની ફેઇલ થઈ ગઈ? કે ફિલ્મ ઉદ્યોગ તેને મળવા પહોંચી ગયો. તેને મળ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ પેલા બાળકને મળવા કોઈ ન ગયું. આ જોઈને હું સમજી નથી શકતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શું વિચારી રહી છે? તેલંગાણા સરકારે નિર્ણય લીધો છે કે તે પુષ્પા 2 ફિલ્મના શો દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ સિવાય હવેથી કોઈ બેનિફિટ શો નહીં થાય.'
આ પણ વાંચોઃ શું શાહરુખ ખાને ખરેખર લાફો માર્યો હતો? યો યો હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
શું છે સમગ્ર મામલો?
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'પુષ્પા-2'ને ટક્કર આપવા આવી ગઈ આ ફિલ્મ, પહેલા દિવસે જ ભારતમાં કરી દીધી કમાલ
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.