ઉર્ફી જાવેદને ફેક ધરપકડનો વીડિયો બનાવવો ભારે પડ્યો! મુંબઈ પોલીસે લીધા એક્શન
Image Source: Facebook
મુંબઈ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર
અતરંગી ફેશનની ક્વીન ઉર્ફી જાવેદ ઘણી વખત પોતાની અજીબોગરીબ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ઉર્ફીએ ફેશનના ચક્કરમાં પોતાના જ પગ પર કુહાડી મારી દીધી છે. ગઈકાલે ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પોલીસ ઉર્ફીને ટૂંકા વસ્ત્રો પહેરવાને લઈને અરેસ્ટ કરીને લઈ જાય છે. ઉર્ફીનો અરેસ્ટનો આ વીડિયો ફેક હતો, જેને તેણે એક ફ્રેશન બ્રાન્ડને પ્રમોટ કરવા માટે બનાવ્યો હતો. ફેક અરેસ્ટ વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે એક્શન લીધુ છે.
મુંબઈ પોલીસનું એક્શન
મુંબઈ પોલીસે ગઈ સાંજે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર ફેક અરેસ્ટ વીડિયોને લઈને પોસ્ટ કરી છે. ઉર્ફીના વીડિયોનો એક બ્લર સ્ક્રીનશોટ લઈને મુંબઈ પોલીસે કેપ્શનની સાથે પોસ્ટમાં લખ્યુ- સસ્તા પ્રચાર માટે કોઈ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં! અશ્લીલતાના મામલે મુંબઈ પોલીસનો કથિત રીતે મહિલાને અરેસ્ટ કરવાનો વાયરલ વીડિયો સાચો નથી.
આ કલમ હેઠળ કેસ નોંધાયો
મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યુ- સિમ્બોલ અને વર્દીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ભ્રામક વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ પોલીસે કલમ 171, 419, 500, 34 આઈપીસી હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવુ છે કે વીડિયોમાં નકલી પોલીસ અધિકારી છે અને વાહન પણ જપ્ત કરી લેવાયા છે. ઉલ્લેખનીય છેકે ઉર્ફી જાવેદ ઘણી વખત વિવાદોમાં આવતી રહે છે.